સત્ય. સાહસ. સંકલ્પ.

વરસાદની અછત અને પાક નિષ્ફળતા પર વિધાનસભામાં વિપક્ષના સવાલ, સરકાર કહે યોગ્ય નિર્ણય લેશે

વરસાદની અછત અને પાક નિષ્ફળતા પર વિધાનસભામાં વિપક્ષના સવાલ, સરકાર કહે યોગ્ય નિર્ણય લેશે

ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે વરસાદની અછત અને ખેડૂતોના પાક નુકસાનના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર સવાલ-જવાબ થયા હતા. આજે ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અંગેના સુધારા વિધેયક રજૂ કરાશે.

પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પૂછ્યું કે, વિજય રૂપાણીના મુખ્યમંત્રીકાળમાં સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરી શકાય તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. કેટલાક તાલુકાઓમાં ચાર અઠવાડિયાથી વરસાદ થયો નથી, ત્યારે આવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવશે કે કેમ? તેના જવાબમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર ભારત સરકારના ડ્રોટ મેનેજમેન્ટ મેન્યુઅલ મુજબ કાર્યવાહી કરે છે અને તેના આધારે જ દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે.

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરસાદના અભાવે પાક નિષ્ફળ ગયેલા વિસ્તારોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી હતી. તેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વિમલભાઈનો પ્રશ્ન યોગ્ય છે અને ખેડૂતોને આપવામાં આવતી લોનમાં વ્યાજ લેવામાં આવતું નથી. પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે.

આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વ્યાજ માફી અંગે લોકોમાં ખોટો સંદેશ જવાની શક્યતા દર્શાવતા કહ્યું કે, NPA થયેલા કેસમાં જ લોન માફી મળતી હોય છે. સરકારના નિવેદન મુજબ 3 સપ્ટેમ્બર 2026ની સ્થિતિએ મોસમનો કુલ સરેરાશ 94.43% વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની અછત છે. દુષ્કાળ અંગે વરસાદની અછત ઉપરાંત વાવેતર, NDVI, જમીનની ભેજ અને ભૂગર્ભજળ જેવા વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ઉત્તર ગુજરાતમાં કૂવા અને ડેમ તળિયાઝાટક જોવા મળી રહ્યા છે.

અલગથી, ડેટા સેન્ટર ક્ષેત્રે ચર્ચા દરમિયાન ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભારત પાસે વિશ્વની સરખામણીમાં ડેટા સેન્ટર ક્ષેત્રે માત્ર 2 ટકા જેટલી ક્ષમતા છે, જ્યારે ગુજરાત પાસે હાલમાં આશરે 1.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા છે. ડેટા સેન્ટર સ્થાપવા કુલ 19 અરજીઓ મળી છે. આ પ્રોજેક્ટ્સ થકી ડેટા સેન્ટર ક્ષેત્રે અંદાજે ₹19.36 લાખ કરોડનું મૂડીરોકાણ થવાની સંભાવના છે.