સત્ય. સાહસ. સંકલ્પ.

બહુચરાજી APMCમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય, છ થી વધુ યાર્ડનું પરિણામ આજે

બહુચરાજી APMCમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય, છ થી વધુ યાર્ડનું પરિણામ આજે

રાજ્યની છ થી વધુ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ઈડર, ખાંભા, ધાનેરા અને મોરબી સહિતની માર્કેટયાર્ડમાં મતગણતરી ચાલી રહી છે, જ્યારે બહુચરાજી APMCમાં ભાજપ સમર્થિત પેનલનો દબદબો જોવા મળ્યો છે. પરિણામોની જાહેરાત થતાં માર્કેટયાર્ડની બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જામી છે.

બહુચરાજી APMCમાં ભાજપ સમર્થિત પેનલની જીત

બહુચરાજી APMCમાં ભાજપ સમર્થિત પેનલે વિજય મેળવ્યો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે વેપારી વિભાગની ચારેય બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

ખાંભા APMCમાં મતગણતરી ચાલુ

અમરેલી જિલ્લાના ખાંભા APMCની મતગણતરી આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ છે. ગઈકાલે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં કુલ 567 મતદારોમાંથી 527એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં છે. બે બૂથની મતગણતરી કુલ 21 રાઉન્ડમાં કરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.

ઈડર APMCમાં ભીડ, ચૂંટણી રસપ્રદ

ઈડર APMCની મતગણતરી પણ ચાલી રહી છે. માર્કેટયાર્ડની બહાર ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 95 ટકા અને વેપારી વિભાગમાં 100 ટકા મતદાન થયું હતું. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 36 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 7 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપથી નારાજ કાર્યકરોએ અલગ પેનલ બનાવી હોવાથી આ ચૂંટણી ખાસ ચર્ચામાં છે.

ધાનેરામાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો દબદબો

ધાનેરા APMCમાં વેપારી વિભાગની ચાર બેઠકોનું પરિણામ જાહેર થઈ ગયું છે. તેમાં ભાજપ પ્રેરિત ત્રણ ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત એક ઉમેદવારની જીત થઈ છે. શંકરભાઈ પટેલ, શામળભાઈ પટેલ, અશોકભાઈ અને હીનાબેન ચૌધરી વિજેતા બન્યા છે. હવે ખેડૂત વિભાગની 10 બેઠકોની મતગણતરી ચાલી રહી છે. ધાનેરા APMC ચૂંટણીમાં 98.46 ટકા મતદાન નોંધાયું હતું.

મોરબી APMCમાં પરિવર્તનના સંકેત

મોરબી APMCના વેપારી વિભાગના પ્રાથમિક પરિણામો પરિવર્તનના સંકેત આપી રહ્યા છે. ચાર બેઠકોમાંથી ભાજપ સમર્થિત સહકાર પેનલના બે ઉમેદવારોનો પરાજય થયો છે, જ્યારે ખેડૂત પરિવર્તન પેનલના બંને ઉમેદવારો વિજેતા બન્યા છે. સહકાર પેનલના બે ઉમેદવારો પણ જીત્યા છે. ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામની હજુ રાહ જોવાઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પણ મોરબી યાર્ડમાં પોતાની પેનલ ઉતારી છે.

આજે જાહેર થઈ રહેલા APMC ચૂંટણીના પરિણામો આગામી સમયમાં સ્થાનિક રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. ખાસ કરીને ઈડર અને મોરબીમાં ભાજપ સમર્થિત પેનલ સામે ઊભી થયેલી પેનલના પરિણામો પર સૌની નજર છે.