સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત APMC ચૂંટણી પરિણામ: ધાનેરામાં ભાજપને ઝટકો, ધોળકામાં કોંગ્રેસની ધમાકેદાર જીત

ગુજરાત APMC ચૂંટણી પરિણામ: ધાનેરામાં ભાજપને ઝટકો, ધોળકામાં કોંગ્રેસની ધમાકેદાર જીત

ગુજરાતમાં વિવિધ APMC (એપીએમસી) ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. ધાનેરામાં ભાજપના મેન્ડેટથી લડેલા ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ધોળકા APMCમાં કોંગ્રેસ પ્રેરિત પેનલે ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર વિજય મેળવ્યો છે. જુનાગઢ, ઈડર અને બહુચરાજી APMCનાં પરિણામો પણ જાહેર થઈ ગયાં છે.

ધાનેરા APMC: ભાજપના મેન્ડેટથી લડનારા છ ઉમેદવારો હાર્યા

ધાનેરા APMC ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટથી ઉમેદવારી કરનારા છ ઉમેદવારોની હાર થઈ છે. જેમાં ખેડૂત પેનલ તરફથી ભાજપનું મેન્ડેટ ધરાવતા પાંચ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં ખેડૂત વિભાગના સુરેશ ભગવાન ચૌધરી, ડૉ. ધજાભાઈ પટેલ, જોઈતાભાઈ સાકોલીયા, મોઘજીભાઈ ઉકાભાઈ તેમજ મોહનભાઈ ઉકાભાઈ ચૌધરીની હાર થઈ છે.

ધોળકા APMC: કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલે બધી 10 બેઠકો જીતી

અમદાવાદ જિલ્લાની ધોળકા APMCમાં કોંગ્રેસ પ્રેરિત ‘વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ‘વિકાસ પેનલ’ના ઉમેદવારોએ જીત મેળવી છે, જ્યારે ભાજપ પ્રેરિત ‘ખેડૂત સહકાર પેનલ’ને હારનો સામનો કરવો પડ્યો છે. આ 10 બેઠકો માટે કુલ 30 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં 10 ઉમેદવારો ભાજપ પ્રેરિત સહકાર પેનલના અને 10 ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલના હતા.

જુનાગઢ APMC: ખેડૂત વિભાગના તમામ 10 વિજેતા જાહેર

જુનાગઢ APMCની સામાન્ય ચૂંટણી-2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત વિભાગના તમામ 10 વિજેતા ઉમેદવારોની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે, વેપારી વિભાગની 4 બેઠકો અને સહકારી ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી.

ઈડર APMC: ખેડૂત એકતા પેનલને ખેડૂત વિભાગમાં સંપૂર્ણ જીત

સાબરકાંઠા જિલ્લાની ઈડર APMCની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ‘ખેડૂત એકતા પેનલ’ના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા થયા છે.

બહુચરાજી APMC: ભાજપ સમર્થિત પેનલનો વિજય

બહુચરાજી APMCમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારો વિજેતા બન્યા છે. વેપારી વિભાગની ચારેય બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.