ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) અને સહકારી સંઘોની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સહકારી ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તાવાર 'મેન્ડેટ' પ્રથા અમલમાં મૂકી હતી, પરંતુ આ ચૂંટણીઓમાં ભાજપના જ ઉમેદવારો અને સ્થાનિક નેતાઓએ પક્ષના મેન્ડેટ સામે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. ધોળકા, ધાનેરા, ઇડર અને લોધિકા જેવા મહત્વના વિસ્તારોમાં ભાજપના સત્તાવાર મેન્ડેટને ઝટકો લાગ્યો છે.
લોધિકામાં સત્તાવાર મેન્ડેટ પ્રથા સંપૂર્ણપણે નિષ્ફળ
રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીના પરિણામોએ ગુજરાતના સહકારી રાજકારણમાં મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો છે. આ ચૂંટણીમાં ભાજપની સત્તાવાર મેન્ડેટ પ્રથા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. પરિણામ બાદ જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણીના સમર્થકો સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા હતા અને પોસ્ટર વોર શરૂ થઈ ગયું હતું. બીજી તરફ મેન્ડેટ વિરુદ્ધ જનાર સામે કાર્યવાહી કરવા અલ્પેશ ઢોલરિયાના પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે.
ધોળકા APMCમાં સત્તાનાં સમીકરણો બદલાયાં
અમદાવાદ જિલ્લાના રાજકારણમાં ધોળકા APMCની ચૂંટણીના પરિણામોએ રાજકીય તાપમાન વધારી દીધું છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપના વર્ચસ્વ તરીકે ઓળખાતી ધોળકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આ વખતે રાજકીય સમીકરણો એવા બદલાયા કે જૂના ગઢની દીવાલમાં મોટું ગાબડું પડી ગયું.
ખેડૂત વિભાગની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘કિસાન વિકાસ પેનલ’ના તમામ 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપ પ્રેરિત ‘ખેડૂત સહકાર પેનલ’ને કારમો પરાજય સહન કરવો પડ્યો છે. પરિણામ જાહેર થતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે વર્ષોનું વર્ચસ્વ આખરે ક્યાં ગયું?
આ ચૂંટણીનું સૌથી રસપ્રદ પાસું પક્ષના મેન્ડેટને લઈને ઊભું થયેલું આંતરિક રાજકારણ રહ્યું. ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલા કેટલાક ઉમેદવારોએ જ પક્ષ સામે બળવો પોકારી મેન્ડેટ પરત સોંપ્યો અને કિસાન વિકાસ પેનલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું. ધોળકાના સ્થાનિક રાજકારણમાં આંતરિક અસંતોષ અને ખેડૂતોમાં રહેલા રોષની ચર્ચા વચ્ચે ભાજપ પ્રેરિત પેનલને મળેલી હારથી સંગઠનનાં સ્થાનિક નેતૃત્વ સામે પણ સવાલો ઊભા થયા છે.
આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ જિલ્લા ભાજપ મહામંત્રી દેવેશ પટેલની હાર પણ સામેલ છે. સંગઠનના મહત્વના હોદ્દેદારની હારને કારણે ધોળકાના સ્થાનિક રાજકીય ગણિતમાં સ્થાનિક નેતૃત્વની પકડ અંગે ચર્ચાઓ ચાલુ થઈ છે. બીજી તરફ APMCના વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ વિભાગના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ત્યાં ચૂંટણીનો માહોલ શાંત રહ્યો. પરંતુ ખેડૂત વિભાગમાં તો જાણે રાજકીય તોફાન આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ.
ધાનેરા APMCમાં ભાજપના મેન્ડેટની ટાઈ ટાઈ ફીસ
ધાનેરા APMC ચૂંટણીમાં ભાજપના અનેક દિગ્ગજોની સહકારી ક્ષેત્રમાં ભૂંડી હાર જોવા મળી છે. ધાનેરા APMCમાં ભાજપના સત્તાવાર મેન્ડેટથી ઉમેદવારી કરનાર છ ઉમેદવારોની હાર થઈ છે. ખેડૂત પેનલમાં ભાજપનો મેન્ડેટ મળતા ઉમેદવારી કરનાર પાંચ ઉમેદવારો હારી ગયા છે. જેમાં ખેડૂત વિભાગના સુરેશ ભગવાન ચૌધરી, ડૉ. ધજાભાઈ પટેલ, જોઈતાભાઈ સાકોલીયા, મોઘજીભાઈ ઉકાભાઈ તેમજ મોહનભાઈ ઉકાભાઈ ચૌધરીની પણ હાર થઈ છે.
ધાનેરા એપીએમસીની ચૂંટણીમાં 98.6 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ વર્સિસ ભાજપના આ જંગમાં બળવો કરીને આવેલા ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપમાંથી બળવો કરી ઉમેદવારી કરનાર ત્રણથી વધુ ઉમેદવારો વિજેતા બન્યા તો કોંગ્રેસમાંથી પણ બે ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપના મેન્ડેટથી વિપરીત જઈ ઉમેદવારી કરનાર બળવાખોરોનો દબદબો યથાવત્ રહ્યો.
ઇડર ભાજપના ગઢમાં ગાબડું
સાબરકાંઠાના ઇડર APMC માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગઢ ગણાતા ઇડરમાં ભાજપ પ્રેરિત પેનલને મોટો ઝટકો લાગ્યો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ખેડૂત એકતા પેનલે વિજય મેળવ્યો છે. મેન્ડેટ ન મળતા નારાજ થયેલા ઉમેદવારોએ રચેલી એકતા પેનલ હવે ઇડર માર્કેટયાર્ડની સત્તા સંભાળશે.
ઇડર APMC માર્કેટયાર્ડની ચૂંટણીમાં શરૂઆતથી જ ભારે રસાકસી જોવા મળી હતી. ભાજપ પ્રેરિત પેનલ સહિત કુલ ત્રણ પેનલ ચૂંટણીના મેદાનમાં ઉતરતા ઇડરમાં રાજકીય ગરમાવો સર્જાયો હતો. ખાસ કરીને ભાજપ દ્વારા મેન્ડેટ ન મળતા નારાજ થયેલા ઉમેદવારોએ અલગ થઈને એકતા પેનલની રચના કરી હતી. બળવાખોરો સહિતના નારાજ ઉમેદવારો એકજૂથ થઈ ખેડૂત એકતા પેનલના નામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.