સત્ય. સાહસ. સંકલ્પ.

કૃષિ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતી

કૃષિ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતી

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં 19 ઓક્ટોબર 2026ના રોજ મોટા વહીવટી ફેરબદલના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2ના 200થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના ઉપ સચિવ ભૂપત ચૌહાણે આ અંગેની સત્તાવાર અધિસૂચનાઓ જારી કરી છે. આ ફેરફારથી ખેતીવાડી તંત્રમાં અધિકારીઓની જવાબદારીઓની નવી વહેંચણી થશે અને વહીવટી કામગીરી વધુ ઝડપી તથા પારદર્શક બનશે તેવું સરકારે જણાવ્યું છે.

એક અધિસૂચના મુજબ, ગુજરાત ખેતી સેવાના વર્ગ-2 (પે મેટ્રિક્સ લેવલ-7)ના 115 ખેતી અધિકારીઓની જાહેર હિત તથા સ્વ-વિનંતીથી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. તેમને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી કચેરીઓમાં નવી નિમણૂકો આપવામાં આવી છે.

બીજી અધિસૂચના મુજબ, નાયબ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 (પે મેટ્રિક્સ લેવલ-11)ના 79 ઉચ્ચ અધિકારીઓની રાજ્યભરમાં આંતરિક ધોરણે બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓને સચિવાલય (કૃષિ ભવન), ગુજરાત એગ્રો, બીજ નિગમ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા જિલ્લા પંચાયતોની ખેતીવાડી શાખાઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેટલાક અધિકારીઓને વધારાના હવાલા પણ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 (પે મેટ્રિક્સ લેવલ-9) તરીકે ફરજ બજાવતા 8 અધિકારીઓને તેમની કામગીરી અને યોગ્યતાના આધારે નાયબ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1ના પદ પર બઢતી આપવામાં આવી છે.

બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક હાલના સ્થળેથી છૂટા થઈને નવા સ્થળે હાજર થવા અને રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓ સમયસર હાજર નહીં થાય તો તેમની બઢતી રદ ગણાશે તેવી ચેતવણી પણ અધિસૂચનામાં આપવામાં આવી છે.