ગુજરાત સરકારે રાજ્યના પૂર્વ અગ્નિવીરો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી જાહેરાત કરી છે કે હવે પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે.
ગૃહ વિભાગે નવ ઓક્ટોબર 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો અનુસાર આ જોગવાઈથી અગ્નિવીરો માટે પોલીસ વિભાગમાં નોકરી મેળવવાનો માર્ગ વધુ સરળ બનશે. આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકારે સત્તાવાર ઠરાવ પણ કરી દીધો છે.
મૂળ નિયમો મુજબ પૂર્વ અગ્નિવીરોને ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશની સુરક્ષા માટે યુવાવસ્થામાં સીમાઓ પર જે અગ્નિવીરોએ રાત-દિવસ કામ કર્યું હોય તે પોલીસ બેડાને મજબૂત કરવામાં ગુજરાત પોલીસના ખભેખભા મિલાવીને આવનારા દિવસોમાં કામ કરવા માટે મદદગાર થઈ શકશે.