ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને રાજ્યના 17 IAS અધિકારીઓની બદલી કરી છે. કેટલાક અધિકારીઓને વધારાના હવાલા પણ સોંપવામાં આવ્યા છે. શિક્ષણ, મહેસૂર, માહિતી અને ગ્રામ વિકાસ જેવા વિભાગોમાં આ ફેરફાર કરાયા છે.
રાજ્ય કક્ષાના મહત્વના હવાલા
આદિજાતિ વિકાસ વિભાગના સચિવ રહેલા આલોક કુમાર પાંડેને હવે રાજ્યના રાહત કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જી. ટી. પંડ્યાને ગાંધીનગર ખાતે માહિતી નિયામક બનાવાયા છે. મહેસાણા UGVCLના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ એચ. મકવાણાને INDEXT-Bના MDનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
કલેક્ટર કક્ષાએ ફેરફાર
ગૃહ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને પ્રમોટ કરીને મહેસાણાના નવા કલેક્ટર બનાવાયા છે. મહેસાણાના કલેક્ટર રહેલા એસ. કે. પ્રજાપતિને ગાંધીનગરમાં એડિશનલ ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIRના CEO તરીકેનો પ્રોજેક્ટ સોંપાયો છે. તેમના સ્થાને કચ્છ-ભુજના DDO ઉત્સવ ગૌતમને આણંદના નવા કલેક્ટર બનાવાયા છે. બનાસકાંઠાના DDO એમ. જે. દવેને વાવ-થરાદના કલેક્ટર તરીકે નવી પોસ્ટિંગ મળી છે.
DDOની બદલી
તાપીના DDO રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા છે. વલસાડના DDO અતિરાગ ચપલોતને ભુજ ટ્રાન્સફર કરાયા છે. તેમની ખાલી પડેલી જગ્યાએ મહિસાગરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાની નિમણૂક થઈ છે. સોનગઢના પ્રોજેક્ટ અધિકારી રાજેશ કુમાર મૌર્યને અમરેલીના DDO બનાવાયા છે.
નવસારીના વાંસદા ખાતે ફરજ બજાવતા સ્વપ્નિલ મહાદેવ સીસલેને તાપીના DDO બનાવાયા છે. ઓમકાર રાજેન્દ્ર શિંદેને છોટાઉદેપુરના DDO તરીકે મૂકવામાં આવ્યા છે. છોટાઉદેપુરના DDO રહેલા સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાના નાયબ સચિવ બનાવાયા છે.
અન્ય સંસ્થાઓમાં નિમણૂક
અમદાવાદની સ્પીપા (SPIPA)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી. સી. કોટકને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. એન. પટેલને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકેની જવાબદારી સોંપાઈ છે.