સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં 108 એમ્બ્યુલન્સને 18,513 કોલ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના કેસ સૌથી વધુ

દિવાળીમાં 108 એમ્બ્યુલન્સને 18,513 કોલ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના કેસ સૌથી વધુ

ગુજરાતમાં દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન 108 ઇમરજન્સી સેવાને સામાન્ય દિવસોની સરખામણીએ 13.07% થી 25.67% સુધી વધુ કોલ મળ્યા છે. 8 નવેમ્બર (દિવાળી), 10 નવેમ્બર (બેસતું વર્ષ) અને 11 નવેમ્બર (ભાઈબીજ) એમ ત્રણ દિવસમાં રાજ્યભરમાં કુલ 18,513 ઇમરજન્સી કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ 5,248 કેસ નોંધાય છે, તેની સામે આ આંકડો ઘણો ઊંચો છે. તહેવારોમાં મુસાફરી વધવાને કારણે માર્ગ અકસ્માત અને મારામારીના બનાવોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.

ત્રણ દિવસમાં કુલ 3,785 માર્ગ અકસ્માત નોંધાયા છે. સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 646 માર્ગ અકસ્માત થાય છે. તેની સામે દિવાળીએ 1,212 (87.62% વધારો), બેસતા વર્ષે 1,541 (138.54% વધારો) અને ભાઈબીજે 1,032 (59.75% વધારો) અકસ્માતના કેસ સામે આવ્યા છે. બેસતા વર્ષે ટુ-વ્હીલરના 1,243 (146.63% વધારો), થ્રી-વ્હીલરના 87 (155.88% વધારો) અને ફોર-વ્હીલરના 164 (105.00% વધારો) અકસ્માત નોંધાયા છે.

જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો ત્રણેય તહેવારો દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ 437 અકસ્માત (દિવાળી 137, બેસતું વર્ષ 178, ભાઈબીજ 122) અને સુરતમાં 298 અકસ્માતના કેસ નોંધાયા છે.

બિન-વાહન સંબંધિત ઈજાઓમાં પણ વધારો થયો છે. દિવાળીએ 75.29% (1,043 કેસ) અને બેસતા વર્ષે 57.65% (938 કેસ)નો વધારો નોંધાયો છે. મારામારીના કેસમાં સામાન્ય દિવસોના સરેરાશ 204 કેસની સામે દિવાળીએ 508 (149.02% વધારો), બેસતા વર્ષે 481 (135.78% વધારો) અને ભાઈબીજે 333 (63.24% વધારો) કેસ નોંધાયા છે. મારામારીના સૌથી વધુ કેસ અમદાવાદમાં ત્રણ દિવસમાં કુલ 296 (90, 122 અને 84) નોંધાયા છે.

દાઝવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં 11 કેસ નોંધાય છે, તેની સામે દિવાળીએ 62, બેસતા વર્ષે 26 અને ભાઈબીજે 21 લોકો દાઝ્યા હોવાના કોલ 108ને મળ્યા હતા. દિવાળીએ અમદાવાદમાં 13 અને સુરતમાં 12 કેસ નોંધાયા હતા.

તહેવારોમાં લોકોની અવરજવર વધતા મહાનગરોમાં ઇમરજન્સી કોલ વધ્યા હતા. દિવાળીના દિવસે સુરતમાં 10.91% અને રાજકોટમાં 6.76% કોલ વધ્યા હતા. બેસતા વર્ષે વડોદરામાં 25.67%, રાજકોટમાં 21.71% અને અમદાવાદમાં 13.52%નો ઉછાળો નોંધાયો હતો. ભાઈબીજના દિવસે રાજકોટમાં 14.59%, વડોદરામાં 9.58% અને અમદાવાદમાં 7.89% વધુ કોલ નોંધાયા હતા. 108ની ટીમ દ્વારા અગાઉથી કરાયેલા આયોજન અને ફિલ્ડ કોઓર્ડિનેશનને કારણે તમામ ઇમરજન્સી સેવાઓ અવિરત ચાલુ રહી હતી.

કેટેગરીસામાન્ય દિવસ (સરેરાશ)દિવાળી (8 નવે.)બેસતું વર્ષ (10 નવે.)ભાઈબીજ (11 નવે.)કુલ ઇમરજન્સી5,2485,934 (+13.07%)6,595 (+25.67%)5,984 (+14.02%)માર્ગ અકસ્માત6461,212 (+87.62%)1,541 (+138.54%)1,032 (+59.75%)મારામારીના કેસ204508 (+149.02%)481 (+135.78%)333 (+63.24%)દાઝવાના કેસ1162 (+463.64%)26 (+136.36%)21 (+90.91%)