તાઇવાનમાં એક વ્યક્તિને દાંતમાં અસહય દુખાવો થતાં તે ડેન્ટિસ્ટ પાસે ગયો. તપાસમાં જાણવા મળ્યું કે તેની ઉપરની અક્કલ દાઢમાં ગંભીર સડો (કેવિટી) થયો છે અને તેને કાઢવી પડશે. પરંતુ દાઢ કાઢતી વખતે ડેન્ટિસ્ટે જે જોયું તે તેમના માટે ચોંકાવનારું હતું – દાઢની અંદર જામફળનો છોડ અંકુરિત થઈ રહ્યો હતો.
દર્દીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલાં તેણે જામફળ ખાધું હતું. તેની મોંની સ્વચ્છતા (ઓરલ હાઈજીન) પર ધ્યાન નહોતું. જે અક્કલ દાઢમાં દુખાવો હતો તેની નીચેની અક્કલ દાઢ પહેલેથી જ નહોતી. ઉપરની દાઢમાં ઊંડો સડો હતો, જેમાં જામફળનું બીજ ફસાઈ ગયું અને ધીમે-ધીમે અંકુરિત થવા લાગ્યું. નીચેની દાઢ ન હોવાથી બીજને વધવા માટે પૂરતી જગ્યા મળી ગઈ. અંદાજે 10 દિવસ જૂનો આ છોડ હોવાનું જણાવાયું છે. આ કેસનો અહેવાલ 2013માં બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં પ્રકાશિત થયો હતો.
આ ઘટના દર્શાવે છે કે મોંની સ્વચ્છતા કેટલી જરૂરી છે. ખરાબ ઓરલ હાઈજીનથી કેવિટી અને ટાર્ટર (દાંત પર મેલ જામવો) જેવી સમસ્યાઓ થઈ શકે છે, જે દાંત અને પેઢા માટે નુકસાનકારક છે. ડેન્ટલ ડૉક્ટરોના મતે નિયમિત બ્રશ અને ફ્લોસિંગ, ખાંડવાળા ખોરાક અને પીણાંનું સેવન મર્યાદિત કરવું, તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવું, પૂરતું પાણી પીવું અને નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ. આયુર્વેદમાં પણ ગંડૂષ, કવલ, દંત ચૂર્ણ, લવિંગ અને લીમડાના દાતણનો ઉપયોગ સૂચવવામાં આવે છે.
નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.