ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં મોટા પાયે સામૂહિક ચોરી પકડાઈ છે. GTUએ તપાસ બાદ આ કોલેજો સામે કડક કાર્યવાહી કરી છે. કોલેજો પર દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમના પરીક્ષા કેન્દ્ર પણ રદ કરવામાં આવ્યા છે.
આ ઘટનાએ રાજ્યમાં શૈક્ષણિક પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
કઈ કોલેજો સામે કાર્યવાહી?
આ મામલામાં રાજકોટની અર્પિત કોલેજ, સુરત જિલ્લાની માંડવી ઇન્સ્ટિટ્યૂટ, મહેસાણાના કડીની વી.કે. પટેલ કોલેજ અને જૂનાગઢના ગડુની દધિચી કોલેજનું નામ સામે આવ્યું છે.
રાજકોટની અર્પિત કોલેજમાં પરીક્ષાના પ્રથમ દિવસે 19 અને બીજા દિવસે 23 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. સુરતની માંડવી ઇન્સ્ટિટ્યૂટમાં 41 વિદ્યાર્થીઓ સામૂહિક ચોરી કરતા પકડાયા હતા. કડીની વી.કે. પટેલ કોલેજ અને ગડુની દધિચી કોલેજના 13-13 ડિપ્લોમા વિદ્યાર્થીઓ પણ આ કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
રૂ. 1થી 2 લાખનો દંડ અને કેન્દ્ર રદ
GTUએ અર્પિત કોલેજ અને માંડવી ઇન્સ્ટિટ્યૂટ પર રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે અને બે વર્ષ માટે તેમનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું છે. વી.કે. પટેલ કોલેજ અને દધિચી કોલેજ પર રૂ. 1 લાખનો દંડ અને એક વર્ષ માટે પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
CCTV ફૂટેજમાં શું દેખાયું?
વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં એકસરખું લખાણ મળ્યા બાદ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તેમાં વિદ્યાર્થીઓ એકબીજાને સાહિત્ય આપતા અને મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ ઘટના પરીક્ષા વ્યવસ્થા અને શૈક્ષણિક માળખા માટે ગંભીર ચિંતાનો વિષય છે.