નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો કે ફ્રીલાન્સિંગ કરો છો અને GST રજિસ્ટ્રેશન કરાવવાનું વિચારી રહ્યા છો? તો આ માહિતી તમારા માટે કામની છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ 26 ઓક્ટોબર 2026ના રોજ GST રજિસ્ટ્રેશનના નિયમો અને પ્રક્રિયા સરળ બનાવવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેનો હેતુ અરજીમાં થતો વિલંબ, વધારાના દસ્તાવેજોની માંગ અને વારંવારની પૂછપરછ ઘટાડવાનો છે.
નવી માર્ગદર્શિકા મુજબ કેટલાક પાત્ર નાના વેપારીઓને ત્રણ વર્કિંગ દિવસમાં GST રજિસ્ટ્રેશન મળી શકે છે. ઉપરાંત, બિઝનેસના સરનામાના પુરાવા, બેંક ખાતાની માહિતી અને ટેક્સ અધિકારીઓ તરફથી વધારાના દસ્તાવેજો માંગવાના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. અરજી કરતા પહેલા આ પાંચ ફેરફારો સમજી લેવા જરૂરી છે.
3 વર્કિંગ દિવસમાં રજિસ્ટ્રેશનનો નિયમ શું છે?
CGST નિયમોના રૂલ 14A હેઠળ પાત્ર અરજદારોને સરળ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો લાભ મળી શકે છે. નક્કી કરેલી શરતો પૂરી કરતા વેપારીઓને અરજીના ત્રણ વર્કિંગ દિવસમાં GST રજિસ્ટ્રેશન મળી શકે છે. આ સુવિધા તે લોકો માટે છે જેઓ નિર્ધારિત પાત્રતા હેઠળ આ વ્યવસ્થા પસંદ કરે છે અને નક્કી કરેલી મર્યાદાથી વધુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવા માંગતા નથી.
સામાન્ય રજિસ્ટ્રેશન અરજીમાં આધાર ઓથેન્ટિકેશન સફળ થાય તો સામાન્ય રીતે સાત વર્કિંગ દિવસમાં પ્રક્રિયા પૂરી થવી જોઈએ. જો આધાર ઓથેન્ટિકેશન પૂરું ન થાય અથવા બિઝનેસની જગ્યાનું ફિઝિકલ વેરિફિકેશન જરૂરી હોય, તો રજિસ્ટ્રેશનમાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
GST રજિસ્ટ્રેશનમાં પાંચ મોટા ફેરફાર
1. મિલકતના આધારે દસ્તાવેજ: બિઝનેસનું સરનામું સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો એ વાત પર આધાર રાખે છે કે જગ્યા તમારી પોતાની છે, ભાડે લીધેલી છે કે પરિવારના કોઈ સભ્યની છે. પ્રોપર્ટી ટેક્સની પહોંચ, વીજળી કે પાણીનું બિલ અને નગરપાલિકા સાથે જોડાયેલા દસ્તાવેજ આપી શકાય છે. જો માતા-પિતા કે પરિવારના સભ્યના ઘરમાંથી બિઝનેસ ચલાવો છો, તો માલિકની સંમતિ અને સ્વીકાર્ય એડ્રેસ પ્રૂફ આપવું પડી શકે છે.
2. કો-વર્કિંગ સ્પેસનો પુરાવો: સહિયારી ઓફિસમાંથી કામ કરતા ફ્રીલાન્સરોએ મેમ્બરશિપ એગ્રીમેન્ટ અને જરૂરી પ્રોપર્ટી દસ્તાવેજો આપવાના રહેશે.
3. ગેરજરૂરી કાગળો પર રોક: અધિકારીઓ યોગ્ય કારણ વગર વધારાના દસ્તાવેજો માંગી શકતા નથી. સ્પષ્ટતા જરૂરી હોય ત્યારે GST REG-03 નોટિસ આપી શકાય છે, જેનો જવાબ સામાન્ય રીતે સાત વર્કિંગ દિવસમાં આપવાનો હોય છે.
4. શરૂઆતમાં બેંક ડિટેલ્સ જરૂરી નથી: GST રજિસ્ટ્રેશન વખતે બેંક ખાતાની માહિતી આપવી ફરજિયાત નથી. જોકે, રજિસ્ટ્રેશન મળ્યાના 30 દિવસની અંદર અથવા આઉટવર્ડ સપ્લાયની માહિતી આપતા પહેલા, જે પહેલું આવે ત્યારે બેંક ડિટેલ્સ આપવાની રહેશે.
5. અરજીની સમયમર્યાદા સ્પષ્ટ: આધાર વેરિફિકેશન અને અન્ય તપાસના આધારે અરજી પૂરી કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. વિલંબ થાય તો લાગુ નિયમો મુજબ ડીમ્ડ અપ્રૂવલની જોગવાઈ પણ હોઈ શકે છે.