સત્ય. સાહસ. સંકલ્પ.

GST દર ઘટાડાને એક વર્ષ: ઓટો વેચાણમાં ૨૦% વધારો, પણ કોમોડિટી ભાવે રાહત ધોઈ નાખી

GST દર ઘટાડાને એક વર્ષ: ઓટો વેચાણમાં ૨૦% વધારો, પણ કોમોડિટી ભાવે રાહત ધોઈ નાખી

નવી દિલ્હી: જીએસટી (GST) દરોના તર્કસંગતીકરણને આજે એક વર્ષ પૂરું થયું છે. આ એક વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટો વેગ જોવા મળ્યો છે, પરંતુ કોમોડિટીના ઊંચા ભાવે ભાવઘટાડાનો મોટો હિસ્સો ધોઈ નાખ્યો છે.

ગયા વર્ષે જીએસટી દરોમાં ઘટાડો થયો ત્યારે ખાદ્યાન્નથી લઈને કન્ઝ્યુમર ગૂડ્સ અને ઓટોમોબાઈલ સુધીના ક્ષેત્રોને ફાયદો થયો હતો. તેનાથી માંગને વેગ મળ્યો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી. પરંતુ કાચા માલના ભાવ, ક્રૂડ ઓઇલના ઊંચા દર અને પશ્ચિમ એશિયાની કટોકટીના કારણે આ ઘટાડાની અસર ધોવાઈ ગઈ છે.

જીએસટી દર ઘટાડાનો સૌથી વધુ ફાયદો ઓટોમોબાઈલ ક્ષેત્રને થયો છે. ઇકરા (Icra)ના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ ૨૦૨૬ સુધીના એક વર્ષમાં ૨.૯ કરોડ વાહનો વેચાયા છે. ૨૧ સપ્ટેમ્બર સુધીનો આંકડો જોઈએ તો લગભગ ત્રણ કરોડ વાહનો વેચાઈ ચૂક્યા છે. આ વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૨૦ ટકા વધારો દર્શાવે છે.

વાહનોની શ્રેણી પ્રમાણે જોઈએ તો પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ ૨૨ ટકા, ટુ-વ્હીલર્સનું વેચાણ ૨૦ ટકા, કોમર્સિયલ વ્હીકલ્સનું વેચાણ ૧૯ ટકા અને ટ્રેક્ટર્સનું વેચાણ ૨૩ ટકા વધ્યું છે.

ઇકરાના કોર્પોરેટ રેટિંગ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્રુપ હેડ જિતિન મક્કારે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧થી ૧૨ મહિના દરમિયાન જીએસટી દરોના અમલે ભારતની વપરાશવૃદ્ધિને મોટો વેગ આપ્યો છે. સિયામ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનેને ઓગસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં ઉત્પાદકોએ કરેલા ઉત્પાદન અને વેચાણમાં પણ તેનું પ્રતિબિંબ દેખાય છે. તેનાથી એકંદર માંગ મજબૂત બની છે. જો કે તેમણે એ પણ કહ્યું કે ગયા મહિનાની વૃદ્ધિને અગાઉના વર્ષના નીચા આધારનું પણ સમર્થન હતું.

આ જીએસટી ઘટાડામાં કન્ઝ્યુમર ગૂડ્સની ઘણી પેદાશો પરનો દર ૧૨ કે ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. તેનાથી પેદાશોના ભાવમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ ત્યાર બાદ પશ્ચિમ એશિયાની કટોકટીના કારણે કાચો માલ, ઊર્જા અને ઇંધણનો ખર્ચ વધતાં કંપનીઓએ ભાવમાં છથી સાત ટકાનો વધારો કરવો પડ્યો છે. તેમ છતાં બે-ત્રણ ટકા સુધીની રાહત ગ્રાહકોને મળી રહી છે.

નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જીએસટી દર ઘટાડાએ વપરાશવૃદ્ધિને સકારાત્મક દિશા આપી છે. જ્યારે કન્ઝ્યુમર એનાલિસ્ટ રોનક શાહનું કહેવું છે કે દરમાં ઘટાડાથી પરવડે તેવી ભાવમાં વધારો થયો હતો, પણ દરેક કન્ઝ્યુમર કંપનીની માંગ નથી વધી. જીએસટી ઘટાડાએ ફુગાવા સામે રક્ષણ આપ્યું, પરંતુ દરેક શ્રેણીમાં વપરાશમાં અર્થપૂર્ણ વૃદ્ધિ થઈ નથી. પ્રીમિયમ અને વિવેકમુનસફીવાળી પેદાશોની માંગ વધી છે.

ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચીફ મેન્ટોર રાહુલ મહેતાનું માનવું છે કે જીએસટી ૨.૦એ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી મોટી અસર પાડી નથી. મહેતાના મતે આ વખતની તહેવારોની સીઝનમાં એપેરલનો ખર્ચ ૮થી ૧૦ ટકા વધવાનો છે. બ્રાન્ડ્સ, રિટેલરો અને ઉત્પાદકો ભાવવધારાનો કેટલોક હિસ્સો શોષી લે તો પણ પેદાશોના ભાવ પાંચથી સાત ટકા વધવાના જ છે.