તહેવારોની સીઝન પહેલાં જીએસટી દરોમાં ઘટાડાની આશા રાખી રહેલા લોકો અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે GSTના દરોમાં વારંવાર ફેરફાર કરવાને બદલે વર્ષમાં માત્ર એક જ વાર દર બદલવાની નવી યોજના પર કામ કરી રહી છે. આ ફેરફાર દર વર્ષે 1 એપ્રિલથી અમલી બનશે.
ગત વર્ષે સરકારે તહેવારોની સીઝન પહેલાં GST દરોમાં ફેરફારની જાહેરાત કરી હતી, જેના કારણે ઘણી વપરાશી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો. આ વખતે પણ લોકો એવી જ આશા રાખીને બેઠા હતા. જોકે, નવી યોજના મુજબ દરોમાં ફેરફાર વર્ષમાં એક જ વાર થશે, જેથી વારંવાર થતા ફેરફારોથી ઊભી થતી અનિશ્ચિતતા ઘટશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, GST દરોમાં ફેરફાર માટે વર્ષમાં એક નિશ્ચિત સમય રાખવામાં આવશે. આ હેઠળ દરોમાં ફેરફાર વર્ષમાં એક વાર કરવામાં આવશે અને નવા દર 1 એપ્રિલથી લાગુ થશે. આનાથી વેપારીઓને તેમની સિસ્ટમ, બિલિંગ અને એકાઉન્ટિંગ વ્યવસ્થાને નવા દરો મુજબ પહેલેથી તૈયાર કરવાનો સમય મળશે.
હાલમાં GST હેઠળ જુદા જુદા સમયે દરોમાં ફેરફાર કરવામાં આવે છે. જેના કારણે વેપારીઓએ તેમના ઉત્પાદનો અને સેવાઓના ટેક્સ દરોમાં ફેરફાર સાથે બિલિંગ અને અન્ય કમ્પ્લાયન્સ સિસ્ટમને અપડેટ કરવી પડે છે. નવી વ્યવસ્થાથી આ પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે.
દર વર્ષે 1 એપ્રિલે GST દરોમાં ફેરફાર લાગુ થવાથી વેપારીઓને પહેલેથી તૈયારી કરવામાં મદદ મળશે. કંપનીઓ તેમની પ્રાઈસિંગ, ઈન્વોઈસિંગ, એકાઉન્ટિંગ અને ટેક્સ સિસ્ટમમાં જરૂરી ફેરફાર નિશ્ચિત સમયે કરી શકશે. ખાસ કરીને એવા વ્યવસાયો માટે આ ફેરફાર મહત્વનો રહેશે, જ્યાં મોટી સંખ્યામાં ઉત્પાદનો અને જુદા જુદા GST સ્લેબ લાગુ થાય છે.
GST દરોમાં ફેરફારને વર્ષમાં એક વાર કરવાના પ્રસ્તાવને GST વ્યવસ્થામાં સુધારાના આગામી તબક્કાનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. સરકારનું વ્યાપક ધ્યાન GST પ્રક્રિયાઓને સરળ બનાવવા અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને સુધારવા પર છે. જોકે, નવી વ્યવસ્થા અને તેને લાગુ કરવાની રીત પર GST કાઉન્સિલમાં ચર્ચા થયા બાદ જ ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થશે. હાલમાં પ્રસ્તાવ એ જ છે કે, GST ટેક્સ રેટમાં ફેરફાર વર્ષમાં એક વાર થશે અને નવા દર દર વર્ષે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.