GST હેઠળના વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટેક્સ અધિકારીઓ કોઈ વેપારીને સીધી શો કોઝ નોટિસ (SCN) આપતા પહેલા 'પ્રી-શો કોઝ નોટિસ' આપશે. આ માટે GST-DRC-01A ફોર્મ દ્વારા વેપારી પાસેથી વિગતો અને ખુલાસો માંગવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી વેપારીઓને પોતાની વાત રજૂ કરવાનો, ટેક્સની ભૂલ સુધારવાનો અને મોટા દંડમાંથી બચવાનો સત્તાવાર મોકો મળશે.
અત્યાર સુધી તપાસ કે ઓડિટ દરમિયાન ટેક્સની ઓછી ચુકવણી અથવા વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાની બાબત સામે આવે ત્યારે વેપારીઓને સીધી કડક કાયદાકીય નોટિસ મળી શકતી હતી. તેના કારણે વેપારીઓ પર અચાનક કાનૂની કાર્યવાહી અને દંડનો બોજ આવી જતો હતો. હવે પ્રી-શો કોઝ નોટિસની પ્રક્રિયાથી વેપારીઓને કાયદાકીય કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે.
પ્રી-શો કોઝ નોટિસમાં કઈ વિગતો આપવી પડશે?
GST અધિકારીને તપાસ, ઓડિટ અથવા વેપારીના ચોપડાઓની ચકાસણી દરમિયાન ટેક્સ ઓછો ભરાયો હોવાનું કે ભૂલથી વધુ ITC મેળવવામાં આવી હોવાનું જણાય તો સૌથી પહેલાં પૂર્વ સૂચના પત્ર મોકલવામાં આવશે. આ પત્રમાં કેટલા સમયગાળાનો ટેક્સ બાકી છે, કેટલી રકમ ભરવાની થાય છે, તેના પર કેટલું વ્યાજ અને દંડ લાગુ પડી શકે છે તેની પ્રાથમિક ગણતરી દર્શાવવી પડશે. સાથે જ વેપારી પાસેથી આ રકમ કયા કારણોસર માગવામાં આવી રહી છે તેની સ્પષ્ટતા પણ આપવાની રહેશે.
વેપારીઓને થશે આ 3 મોટા ફાયદા
1. મોટા દંડમાંથી બચવાની તક: જો વેપારી પૂર્વ સૂચના મળ્યા બાદ બાકી ટેક્સ અને વ્યાજની રકમ ભરી દે છે, તો તેને કાયદા હેઠળ મળતી દંડની રાહતનો લાભ મળી શકે છે.
2. કોર્ટ અને અપિલના ખર્ચમાંથી રાહત: લાંબી કાયદાકીય કાર્યવાહી, અપિલો અને વકીલોના ખર્ચમાં પડવાને બદલે અધિકારીઓ સાથે ચર્ચા કરીને મામલાનો ઉકેલ લાવવાની તક મળશે.
3. પોતાની વાત રજૂ કરવાનો અધિકાર: જો વેપારીને લાગે કે ટેક્સ અધિકારીએ કરેલી ગણતરી ખોટી છે, તો તે નિર્ધારિત સમયમાં જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે લેખિત ખુલાસો રજૂ કરી શકશે.
નવી પ્રક્રિયા કેવી રીતે કામ કરશે?
પ્રથમ તબક્કો: ટેક્સ અધિકારી વેપારીને બાકી ટેક્સની ગણતરી અને કારણો સાથે પ્રી-શો કોઝ નોટિસ આપશે.
બીજો તબક્કો: વેપારી ગણતરી સાથે સહમત હોય તો બાકી ટેક્સ અને વ્યાજની ચુકવણી કરી શકશે.
ત્રીજો તબક્કો: ગણતરી સામે વાંધો હોય તો વેપારી પુરાવા અને દસ્તાવેજો સાથે પોતાનો પક્ષ રજૂ કરી શકશે.
સરકારની આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટેક્સની ટેકનિકલ અથવા અજાણતાં થયેલી ભૂલોને કારણે વેપારીઓ સામે સીધી આકરી કાર્યવાહી થતી અટકાવવાનો અને તેમને સ્વૈચ્છિક રીતે ટેક્સ ભરવાની તક આપવાનો છે.