સત્ય. સાહસ. સંકલ્પ.

સોલાર પ્લાન્ટ પર જીએસટી ઘટાડવાની તૈયારી, EPC કોન્ટ્રાક્ટ પર ફ્લેટ 5% ટેક્સનો પ્રસ્તાવ

સોલાર પ્લાન્ટ પર જીએસટી ઘટાડવાની તૈયારી, EPC કોન્ટ્રાક્ટ પર ફ્લેટ 5% ટેક્સનો પ્રસ્તાવ

નવી દિલ્હી: સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહેલા ઉદ્યોગો માટે સારા સમાચાર છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં સોલાર પ્લાન્ટના EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટ પર ફ્લેટ 5 ટકા જીએસટી લાગુ કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી હાલનો અસરકારક દર 8.9 ટકાથી ઘટીને 5 ટકા થઈ જશે.

હાલમાં સોલાર પ્રોજેક્ટ્સ પર 70:30 નો જટિલ નિયમ લાગુ છે. આ નિયમ મુજબ, 70 ટકા હિસ્સો (સાધનો અને સામગ્રી) પર 5 ટકા જીએસટી અને બાકીના 30 ટકા હિસ્સા (સેવાઓ) પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આથી એકંદરે આશરે 8.9 ટકા ટેક્સનો બોજ પડે છે. જો કાઉન્સિલ ફ્લેટ 5 ટકા મંજૂર કરે, તો ડેવલપર્સ માટે ખર્ચમાં સીધો 4 ટકાનો ઘટાડો થશે.

સોલાર પ્લાન્ટથી ઉત્પાદિત વીજળી પર જીએસટી લાગતો નથી, કારણ કે વીજળી જીએસટી મુક્ત છે. પરિણામે, પ્રોજેક્ટ ડેવલપર્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરી શકતા નથી. આથી તેમણે ચૂકવેલો આખો ટેક્સ એક વધારાના ખર્ચ તરીકે રહે છે. ઉદ્યોગ લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ માંગી રહ્યો છે.

ઉદ્યોગના મતે, ફ્લેટ 5 ટકા દર લાગુ થવાથી માત્ર ખર્ચમાં ઘટાડો નહીં થાય, પરંતુ ITC સંબંધિત વિવાદો અને ગૂંચવણોનો પણ કાયમી અંત આવશે. સોલાર પ્રોજેક્ટમાં વપરાતા ગ્લાસ અને મેટલ જેવી સામગ્રી પર આજે 18 ટકા ટેક્સ છે, જ્યારે પેનલ પર 5 ટકા છે. આ અસમાનતાને કારણે ટેક્સની ગણતરી મુશ્કેલ બને છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળે તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને મોટો પ્રોત્સાહન મળશે. હાલમાં ઘણા ઉદ્યોગો પોતાના પ્લાન્ટમાં સોલાર એનર્જી અપનાવવાનું ટાળી રહ્યા છે, કારણ કે ટેક્સનો બોજ વધારે છે.