સત્ય. સાહસ. સંકલ્પ.

GST કાઉન્સિલનો મોટો નિર્ણય: ઈ-કોમર્સ ડિલિવરી પર 5% ફિક્સ GST, ITC લાભ બંધ

GST કાઉન્સિલનો મોટો નિર્ણય: ઈ-કોમર્સ ડિલિવરી પર 5% ફિક્સ GST, ITC લાભ બંધ

જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં ઈ-કોમર્સ ડિલિવરી સર્વિસ પર 5% જીએસટી ફિક્સ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ડિલિવરી સર્વિસ પર લાગતા ટેક્સ અંગેની અસ્પષ્ટતા દૂર થશે, પરંતુ કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ મળશે નહીં.

કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવતી ડિલિવરી ભલે ગમે તે માધ્યમથી કરવામાં આવે, તેના પર માત્ર 5% જીએસટી જ વસૂલવામાં આવશે. અગાઉ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીઓ (GTA) મારફતે થતી ડિલિવરી પર જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. હવે આ મુક્તિ રદ કરવામાં આવી છે.

આ ટેક્સ માત્ર એવી ડિલિવરી સેવાઓ પર લાગુ થશે, જે કુરિયર અને પોસ્ટલ સેવાઓથી અલગ છે. આ ડિલિવરી સેવાઓ કેન્દ્રીય જીએસટી એક્ટની કલમ 9(5) હેઠળ આવે છે અને ઈ-કોમર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ડિલિવરી કરનાર વ્યક્તિને CGST એક્ટની કલમ 22(1) હેઠળ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં, એટલે કે ડિલિવરી કરનાર વ્યક્તિ આ સેવા હેઠળ જીએસટી ભરવા માટે જવાબદાર રહેશે નહીં.

જીએસટી કાઉન્સિલે જણાવ્યું છે કે ઈ-કોમર્સ ડિલિવરી પર ટેક્સનો દર નિર્ધારિત થયા પછી તેના પર મળતો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ફાયદો બંધ કરવામાં આવશે. કાઉન્સિલે સીધા ઈ-કોમર્સ દ્વારા સપ્લાય કે ઓર્ડર કરાયેલા સામાનની ડિલિવરી સર્વિસ માટે ITC વગરના 5% જીએસટી દરનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ભલામણોમાં એવા કિસ્સાઓમાં વર્તમાન GST મુક્તિ રદ કરવાની પણ વાત કરાઈ છે, જ્યાં ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીઓ અન-રજિસ્ટર્ડ લોકો સુધી સામાન પહોંચાડે છે અને તે સામાન ઈ-કોમર્સ દ્વારા ઓર્ડર કરાયેલો હોય. આવા કેસોમાં હવે ITC ક્લેમ કરવાની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે.

કાઉન્સિલના આ પ્રસ્તાવથી ઈ-કોમર્સના સતત વિસ્તરતા ડિલિવરી ઈકોસિસ્ટમ પર જીએસટીના નિયમોમાં સ્પષ્ટતા આવશે. સાથોસાથ કેટલાક વ્યવહારો પર ટેક્સનો ખર્ચ પણ વધી શકે છે. હવે કોઈપણ માધ્યમ દ્વારા ઈ-કોમર્સ સામાનની ડિલિવરી કરવામાં આવે તો 5% જીએસટી લાગશે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે પરિવહનના તમામ મોડ્સ મારફતે સામાન પહોંચાડવા પર હવે 5% જીએસટી લાગુ કરવામાં આવશે.