કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી 57મી GST કાઉન્સિલની બેઠકમાં કરદાતાઓને રાહત આપતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ નાણાં મંત્રીએ જણાવ્યું કે GST હેઠળ ₹10,000થી ઓછી ટેક્સ રકમ માટે હવે ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવશે નહીં.
આ ઉપરાંત, GST હેઠળ ધરપકડની જોગવાઈ હટાવવાની અને કાયદેસર કાર્યવાહી (પ્રોસિક્યુશન) માટેની મર્યાદા વધારવાની ભલામણ કાઉન્સિલે કરી છે. જોકે, આ ફેરફારો 1 એપ્રિલ 2027થી લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે હવે GST દરોમાં વર્ષમાં માત્ર એક જ વાર ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. દરોમાં ફેરફારનો નિર્ણય 1 એપ્રિલથી જ અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી વેપારીઓ અને કરદાતાઓને ટેક્સ સિસ્ટમમાં વધુ સ્થિરતા મળશે.
બેઠકમાં CGST એક્ટની કલમ 16(2)(c)માં સુધારા અંગે પણ ચર્ચા થઈ હતી. વર્તમાન નિયમ મુજબ જો સપ્લાય ચેઈનમાં કોઈ પણ સ્તરે સપ્લાયરે ટેક્સ જમા ન કરાવ્યો હોય અથવા બોગસ ITCનો મામલો સામે આવે, તો અંતિમ અને વાસ્તવિક કરદાતાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પણ અટકી શકે છે. આ સુધારાનો હેતુ નાના કેસોમાં ટેક્સ વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાનો અને કરદાતાઓ પર બિનજરૂરી નિયમોના પાલનનો બોજ ઘટાડવાનો છે.