સત્ય. સાહસ. સંકલ્પ.

GST કાઉન્સિલની 57મી બેઠક: વેપારીઓને મોટી રાહત, ડિલિવરી સસ્તી અને ધરપકડની સત્તા પર અંકુશ

GST કાઉન્સિલની 57મી બેઠક: વેપારીઓને મોટી રાહત, ડિલિવરી સસ્તી અને ધરપકડની સત્તા પર અંકુશ

જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગજગત માટે રાહતના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલનું ધ્યાન કરદરોમાં મોટા ફેરફાર કરવાને બદલે વેપાર પ્રક્રિયા સરળ બનાવવા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સંબંધિત જૂના વિવાદો ઉકેલવા પર રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓની મનસ્વી ધરપકડ રોકવા, ડિલિવરી સેવા પર ટેક્સ ઘટાડવા અને નાના કેસોમાં નોટિસ કલ્ચર ખતમ કરવા જેવા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે.

ધરપકડની સત્તા પર અંકુશ: સામાન્ય વેપારી વિવાદો કે રૂટિન ટેક્સ વિસંગતતાઓમાં હવે જીએસટી અધિકારીઓ સીધી ધરપકડ કરી શકશે નહીં. ફક્ત ગંભીર ગુનાહિત કેસો અને જાણીજોઈને કરાયેલી ટેક્સ ચોરીમાં જ કડક ન્યાયિક પ્રક્રિયા હેઠળ કાર્યવાહી થશે.

કર્મચારીઓના વીમા પર ITC: કંપનીઓ દ્વારા કર્મચારીઓ માટે લેવાતા ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર ચૂકવાયેલા જીએસટીનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો માર્ગ મોકળો કરાયો છે. આનાથી કંપનીઓના માનવબળ ખર્ચમાં ઘટાડો થશે.

ટેલિકોમ ટાવર અને ફેક્ટરી બહારની પાઇપલાઇન: ટેલિકોમ ટાવર્સ તેમજ ફેક્ટરી પરિસરની બહાર પાથરેલી પાઇપલાઇન પર હવે ITCનો લાભ મળશે. આનાથી ટેલિકોમ, રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોને ફાયદો થશે.

ડિલિવરી સેવા સસ્તી: અનરજિસ્ટર્ડ રાઇડર્સ દ્વારા અપાતી ડિલિવરી સેવાઓ પર જીએસટી દર 18%થી ઘટાડીને 5% કરાયો છે. આનાથી ઈ-કોમર્સ અને ગિગ ઈકોનોમીને ફાયદો થશે.

આઉટડોર કેટરિંગ પર ITC: પાત્રતા ધરાવતા વેપારીઓ અને કંપનીઓને આઉટડોર કેટરિંગ પરના જીએસટી ખર્ચ પર ITCનો લાભ મળશે, જેથી કોર્પોરેટ ઇવેન્ટ્સનો ખર્ચ ઘટશે.

ખેડૂતો અને ટ્રેક્ટર માલિકોને રાહત: રીટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પરનો જીએસટી દર 18%થી ઘટાડીને 5% કરાયો છે.

FMCG અને ફાર્મા કંપનીઓ માટે જીત: ફ્રી સેમ્પલ્સ (જેના પર જીએસટી ચૂકવાયો હોય) અને કાયદા મુજબ નષ્ટ કરવા પડે તેવા એક્સપાયર્ડ સામાન પર પણ ITC મેળવવાની મંજૂરી મળી છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે.

₹10,000થી ઓછી રકમના કેસોમાં નોટિસ નહીં: નાના ટેક્સ વિવાદો ઘટાડવા ₹10,000 સુધીની માંગ પર શો-કોઝ નોટિસ મોકલવા પર રોક લગાવાઈ છે, જેથી વેપારીઓ અને ટેક્સ વિભાગ બંનેનો સમય બચશે.