ભારત સરકાર ટૂંક સમયમાં GST 3.0 લાગુ કરવાની તૈયારીમાં છે. આ નવી સિસ્ટમનો હેતુ કરદાતાઓને સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાનો છે. દમણ કમિશનરેટ દ્વારા આયોજિત 'સહજ કર સંવાદ' કાર્યક્રમમાં પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર સુમિતકુમારે જણાવ્યું કે આગામી 6 મહિનામાં GST 3.0 અમલમાં આવી શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના 100 દિવસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કરવેરાની સિસ્ટમને સરળ બનાવવા માટે તેને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. આગામી 100 દિવસમાં નવા કરદાતાઓ અને MSME ક્ષેત્રને આ પ્લેટફોર્મ સાથે જોડવા માટે વ્યાપક આઉટરીચ પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત, હાલ જીએસટીના દાયરાથી બહાર રહેલા પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિત પાંચ મહત્ત્વની વસ્તુઓને જીએસટી હેઠળ લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. જો કે આ અંગે હજુ સત્તાવાર નિર્ણય થયો નથી.
દમણ કમિશનર સતીશકુમારે જણાવ્યું કે દમણ કમિશનરેટ ખાતે 'જીએસટી કૌશલ કેન્દ્ર' અને 'જીએસટી મિત્ર સુવિધા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યા છે. અહીં કોઈપણ સ્નાતક યુવાન નિઃશુલ્ક તાલીમ અને સર્ટિફિકેટ મેળવીને જીએસટી પ્રેક્ટિશનર તરીકે કારકિર્દી બનાવી શકે છે.