સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં વતન જતા મુસાફરોને રાહત: સુરતથી 9,100 એક્સ્ટ્રા બસો દોડશે

દિવાળીમાં વતન જતા મુસાફરોને રાહત: સુરતથી 9,100 એક્સ્ટ્રા બસો દોડશે

દિવાળીના તહેવારમાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જાય છે. આ મુસાફરોને સમયસર બસ મળે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સુરત વિભાગે 9,100 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. આ બસો 4 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન ચાલશે.

નિગમના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ બસો દોડાવાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં શહેરો માટે પણ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. બસો નિર્ધારિત બસ સ્ટેશન અને પિકઅપ પોઇન્ટ પરથી ઉપાડશે.

સૌરાષ્ટ્ર તરફની બસો ધામડકા હાઇવે અને વરાછા રોડ પરના નિર્ધારિત મેદાનો પરથી ઉપાડાશે. દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફની બસો એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના સિટી સ્ટેન્ડ સહિતના સ્થળોએથી ઉપાડાશે. આ બસો મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.

મુસાફરો સીટનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. ગ્રુપમાં મુસાફરી કરનારા લોકો ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. બુકિંગ એસટી સેન્ટ્રલ, અડાજણ, ઉધના, કામરેજ, કડોદરા સહિતના બસ સ્ટેશનોની બુકિંગ વિન્ડો પરથી થઈ શકશે. ઉપરાંત, GSRTCની મોબાઇલ એપ અને સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે.

સુરતથી અલગ-અલગ શહેરો માટેનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે:

  • જામનગર: 500 રૂપિયા
  • સાવરકુંડલા: 480 રૂપિયા
  • મહુવા: 480 રૂપિયા
  • ગારીયાધાર: 440 રૂપિયા
  • રાજકોટ: 435 રૂપિયા
  • ભાવનગર: 385 રૂપિયા
  • અમરેલી: 455 રૂપિયા
  • જસદણ: 405 રૂપિયા
  • ઊના: 450 રૂપિયા
  • પાલનપુર: 410 રૂપિયા
  • દાહોદ: 350 રૂપિયા
  • ઓલપાડ-દાહોદ: 350 રૂપિયા
  • ઓલપાડ-ઝાલોદ: 390 રૂપિયા
  • ઝાલોદ: 350 રૂપિયા
  • કવાંટ: 300 રૂપિયા
  • છોટા ઉદેપુર: 310 રૂપિયા
  • લુણાવાડા: 324 રૂપિયા
  • ગોધરા: 305 રૂપિયા
  • અમદાવાદ: 320 રૂપિયા

દિવાળીમાં વતન જવા માટે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને નિગમે આ આયોજન કર્યું છે, જેથી લોકોને સમયસર બસની સુવિધા મળે અને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓ ઓછી થાય.