દિવાળીના તહેવારોમાં વતન જવા નીકળતા મુસાફરોને અગવડ ન પડે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)એ મોટા પાયે વિશેષ બસ સંચાલનનું આયોજન કર્યું છે. તહેવારો હજી એક અઠવાડિયું બાકી હોવા છતાં નિગમની 1 લાખથી વધુ ટિકિટોનું ઓનલાઈન અને એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.
અમદાવાદ વિભાગના વિભાગીય અધિકારી જે.બી. કરોતરાએ જણાવ્યું કે, 2થી 8 નવેમ્બર દરમિયાન અમદાવાદથી લગભગ 1,150 વધારાની ટ્રીપ દોડાવવાનું આયોજન છે. આ માટે 300થી 350 વધારાની બસો સેવામાં મૂકાશે. ગયા વર્ષે અમદાવાદથી 678 એક્સ્ટ્રા ટ્રીપ દોડી હતી, જેની સામે આ વર્ષે 472 વધુ ટ્રીપ સાથે 69.6%નો વધારો થયો છે. મુસાફરોનો ધસારો વધે તો વધુ ટ્રીપ પણ ઉમેરાશે.
અમદાવાદમાં ગીતામંદિર ઉપરાંત ઇસ્કોન ચાર રસ્તા, CTM એક્સપ્રેસ-વે અને અડાલજ ત્રિમંદિર પાસે વધારાના બસ સ્ટોપેજ ઊભા કરાયા છે, જેથી મુસાફરોને મુખ્ય બસ સ્ટેન્ડ સુધી જવું ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. આ પોઇન્ટ્સ પરથી મુસાફરો સીધા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત તરફ જતી બસો પકડી શકશે. આ સ્થળોએ સુપરવાઇઝરી સ્ટાફ અને કંટ્રોલ પોઇન્ટ્સ તહેનાત રહેશે.
સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ ધસારો રહેતો હોવાથી અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તરફ નિયમિત અંતરે વધારાની બસો દોડાવાશે. અધિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર રૂટની મોટાભાગની બસોમાં 50% જેટલું ગ્રૂપ બુકિંગ એડવાન્સમાં પૂર્ણ થઈ ગયું છે. પંચમહાલ, દાહોદ, ગોધરા તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા શ્રમિકો અને પરિવારો માટે પણ પૂરતી એક્સ્ટ્રા બસો ઉપલબ્ધ રહેશે.
તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ બમણા-ત્રણ ગણા ભાડાં વસૂલતી હોય છે, ત્યારે GSRTCએ વધારાની બસોમાં પણ સામાન્ય સરકારી ભાડા દર જ લાગુ રાખ્યા છે. લોકલ, એક્સપ્રેસ કે ગુર્જરનગરી કેટેગરી મુજબ સામાન્ય દિવસો જેટલું જ ભાડું લેવાશે. રોકડની ઝંઝટ ટાળવા મુસાફરો કંડક્ટરને UPI (Google Pay, PhonePe, Paytm વગેરે) દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
રાજ્યના 16 વિભાગોમાં સૌથી વધુ 1,870 ટ્રીપ નડિયાદ અને 1,600 ટ્રીપ સુરત દોડાવશે. હિંમતનગર 900, જૂનાગઢ 840, અમદાવાદ 700 (વિભાગીય આયોજન 1,150), મહેસાણા 670, પાલનપુર 550, વડોદરા 455, રાજકોટ 450, ગોધરા 380, ભાવનગર 370, અમરેલી 300, ભરૂચ 170, જામનગર 155, ભુજ 110 અને વલસાડ 110 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરશે.