દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે અને વતન જવાની ઉત્સુકતા વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની સુવિધા માટે મોટી વ્યવસ્થા કરી છે. નિગમ 4થી 7 નવેમ્બર દરમિયાન રેગ્યુલર બસ સેવા ઉપરાંત અંદાજે 2400 વધારાની બસો દોડાવશે, જેના દ્વારા 8000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે.
સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના રત્નકલાકારો દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં વતન તરફ જાય છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના લોકો વતન જતા હોવાથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ વધારાની બસો દોડાવાશે. ઉપરાંત પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
અમદાવાદ વિભાગ દ્વારા 2થી 8 નવેમ્બર સુધી 1800 વધારાની ટ્રીપ ચલાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભુજ તરફ વધારાની બસો ઉપલબ્ધ રહેશે. દાહોદ, ગોધરા, બાલાસિનોર અને સંતરામપુર માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે.
કેટલાક રૂટ પર ઓનલાઇન બુકિંગની સુવિધા સાથે વધારાની બસો દોડાવાશે, જેમાં ગાંધીનગર–પોરબંદર, ગાંધીનગર–જૂનાગઢ, કૃષ્ણનગર–જૂનાગઢ, કૃષ્ણનગર–ભાવનગર, કૃષ્ણનગર–અમરેલી અને અમદાવાદ–ભુજનો સમાવેશ થાય છે. જે રૂટ પર મુસાફરોની ભીડ વધુ જણાશે ત્યાં જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવાશે.
મુસાફરો નિગમની વિભાગીય કચેરીઓ અને ડેપો ઉપરાંત સત્તાવાર વેબસાઇટ પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઇન બુકિંગનો લાભ લઈ શકશે. બસ સંચાલન સંબંધિત માહિતી માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી શકાય છે.