સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત એસટી નિગમનો નવો વિક્રમ: એક દિવસમાં 1.46 લાખ સીટનું બુકિંગ, 3.55 કરોડની આવક

ગુજરાત એસટી નિગમનો નવો વિક્રમ: એક દિવસમાં 1.46 લાખ સીટનું બુકિંગ, 3.55 કરોડની આવક

ગુજરાત એસટી નિગમે ડિજિટલ ટિકિટ બુકિંગમાં નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. 11 નવેમ્બર 2026ના રોજ નિગમે એક જ દિવસમાં 1 લાખ 46 હજાર 875 સીટનું બુકિંગ કરાવ્યું હતું અને કુલ 3 કરોડ 55 લાખ 20 હજાર 225 રૂપિયાની આવક મેળવી હતી. આ નિગમના અગાઉના તમામ રેકોર્ડ કરતાં વધુ છે.

નિગમ સતત સાતમા વર્ષે દેશના તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગની દૃષ્ટિએ પ્રથમ સ્થાને રહ્યું છે. નવા રેકોર્ડના દિવસે મોબાઇલ એપ્લિકેશન મારફતે 99 હજાર 402 સીટનું બુકિંગ થયું હતું, જેમાંથી અંદાજે 2 કરોડ 27 લાખ રૂપિયાની આવક નોંધાઈ હતી.

અગાઉ વર્ષ 2024માં એક જ દિવસમાં 1 લાખ 41 હજાર 468 સીટનું બુકિંગ થયું હતું, જ્યારે વર્ષ 2025માં આ આંકડો 1 લાખ 33 હજાર 43 સીટ હતો. 11 નવેમ્બર 2026ના રોજ આ બંને આંકડા પાછળ રહી ગયા છે.

બીજી તરફ, દિવાળીના તહેવારોમાં રાજકોટ એસટી વિભાગની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. મુસાફરોની વધેલી સંખ્યા માટે ચાર નવેમ્બરથી વિશેષ બસ સંચાલન શરૂ કરાયું હતું, જેમાં અંદાજે 100 વધારાની બસો દોડાવવામાં આવી હતી અને રાજકોટ ડિવિઝનને વધુ 16 બસો ફાળવવામાં આવી હતી.

સામાન્ય દિવસોમાં રાજકોટ એસટી વિભાગને દરરોજ અંદાજે 65 લાખ રૂપિયાની આવક થતી હતી, જે દિવાળી દરમિયાન વધીને 85 લાખ રૂપિયા સુધી પહોંચી હતી. ખાસ કરીને સોમનાથ, દ્વારકા, ગોધરા અને પંચમહાલ તરફ જતા મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.