સત્ય. સાહસ. સંકલ્પ.

સિંગતેલનો ડબ્બો રૂ. 3000ને પાર: મગફળીનું વાવેતર વધ્યું, તો પણ ભાવ કેમ વધે છે?

સિંગતેલનો ડબ્બો રૂ. 3000ને પાર: મગફળીનું વાવેતર વધ્યું, તો પણ ભાવ કેમ વધે છે?

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત વર્ષે વિક્રમજનક 60 લાખ ટનને પાર થયું હતું અને આ વર્ષે પણ સામાન્ય કરતાં વધુ વાવેતર થયું છે. છતાં, રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં નિરંકુશ વધારો ચાલુ છે. આજે સિંગતેલ ડબ્બાના ભાવ રૂ. 2940-2990માંથી રૂ. 30 વધીને રૂ. 2970-3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે.

ગત વર્ષે મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન હતું, ત્યારે સિંગતેલનો ડબ્બો રૂ. 2400થી 2500માં મળતો હતો. આ વર્ષે શરૂઆતથી જ રૂ. 500થી 600નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જન્માષ્ટમી પહેલાં તહેવારના કારણે ભાવ કૃત્રિમ રીતે નીચા દેખાય તે માટે આંશિક ઘટાડો કરીને રૂ. 2800-2850 કરાયા હતા, પણ ગત ચાર દિવસમાં જ ફરી રૂ. 70નો વધારો કરી દેવાયો છે.

ગુજરાતમાં મગફળીનું સામાન્ય વાવેતર 16.15 લાખ હેક્ટર થાય છે, જેની સામે આ વર્ષે 20.68 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે 8 ટકા વધુ. દેશભરમાં પણ મગફળીનું વાવેતર સામાન્ય 46.79 લાખ હેક્ટર સામે આજદિન સુધીમાં 50.45 લાખ હેક્ટર થયું છે, જ્યારે ગત વર્ષે 50.66 લાખ હેક્ટર થયું હતું. ગત વર્ષે પાકેલી મગફળીનો જથ્થો હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે અને નવરાત્રી પછી નવો માલ પણ બજારમાં આવી રહ્યો છે. છતાં, શોર્ટ સપ્લાયનું ખોટું કારણ આપીને ભાવ વધારવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ બજાર વ્યવસ્થાપનની કમી અને ભાવ વાજબી સ્તરે જાળવવામાં સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

અગાઉ થોડાઘણા ભાવવધારા સામે લોકો રસ્તા પર આવીને તેલના ડબ્બા ખખડાવીને વિરોધ કરતા હતા અને સરકારને ઢંઢોળવા આંદોલન કરતા હતા. પરંતુ હવે નેતાઓ સામાન્ય ગરીબ વર્ગને આ મોંઘવારીથી પડતી મુશ્કેલીઓ અંગે સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા નથી.