સત્ય. સાહસ. સંકલ્પ.

સિંગતેલના ભાવમાં ભડકો: બે દિવસમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

સિંગતેલના ભાવમાં ભડકો: બે દિવસમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંગતેલના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓછા વરસાદ અને મગફળીના પાકને થયેલા નુકસાનને કારણે બજારમાં આવક ઘટી છે. પરિણામે માત્ર બે દિવસમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જેનાથી સામાન્ય ગ્રાહકોનું બજેટ ખોરવાયું છે.

આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ મગફળીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો છે. સૌરાષ્ટ્ર પંથકમાં ચાલુ સિઝનમાં અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે પિયત અને બિન-પિયત મગફળીના પાકને માઠી અસર પહોંચી છે. જેથી વીઘા દીઠ ઉત્પાદન અપેક્ષા કરતાં ઘણું ઓછું થયું છે. આ જ કારણોસર રાજકોટ માર્કેટ યાર્ડ સહિતના વિવિધ વેપારી કેન્દ્રો પર મગફળીની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેની સીધી અસર ક્રશિંગ અને સિંગતેલના ઉત્પાદન પર પડી રહી છે.

માત્ર બે દિવસમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 20 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે છેલ્લા આઠ દિવસમાં કુલ 30 થી 40 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. હાલમાં ખુલ્લા બજારમાં સિંગતેલના એક ડબ્બાનો ભાવ વધીને 3150 થી 3200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કાચા માલની અછત અને માંગ સામે પૂરતો પુરવઠો ન મળવાને કારણે સ્થાનિક ઓઇલ મિલો અને વેપારીઓ દ્વારા તેલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

જોકે, બીજી તરફ ખેડૂતોને મગફળીના સારા ભાવ મળવાથી આંશિક રાહત મળી છે, પરંતુ ઓછું ઉત્પાદન હોવાને કારણે ખેડૂતોના વ્યાપક નુકસાનની સંપૂર્ણ ભરપાઈ થઈ શકતી નથી.

આગામી સમયમાં જો બજારમાં તેલની આવક સુધરશે નહીં, તો ખાદ્યતેલોની કિંમતો સામાન્ય નાગરિકો માટે વધુ ચિંતાજનક બની શકે છે. મોંઘવારીનો આ સતત માર ગ્રાહકોની ખરીદશક્તિને નબળી પાડી રહ્યો છે, જેથી બજારમાં યોગ્ય નિયંત્રણ અને આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.