સત્ય. સાહસ. સંકલ્પ.

સિંગતેલનો ડબ્બો રૂ.3,110ની ટોચે: પુરવઠો વધુ છતાં ભાવ કેમ વધે છે?

સિંગતેલનો ડબ્બો રૂ.3,110ની ટોચે: પુરવઠો વધુ છતાં ભાવ કેમ વધે છે?

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતમાં સિંગતેલનો ડબ્બો રૂ.3,110ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયો છે. દિવાળીના છ દિવસના વેકેશન બાદ બજાર ખૂલતાં જ ભાવમાં આ વધારો નોંધાયો છે, જે ગૃહિણીઓ માટે મોંઘવારીનો વધારો છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે મગફળીનું ઉત્પાદન પર્યાપ્ત છે, માંગ સ્થિર છે, અન્ય તેલોના ભાવ ઘટ્યા છે અને યાર્ડમાં નવી મગફળીની આવક પણ સારી છે. છતાં સિંગતેલના ભાવ વધી રહ્યા છે.

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખ ટનથી વધીને ગત વર્ષે 62 લાખ ટનના વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. ચાલુ વર્ષે પણ 50 લાખ ટનથી વધુ ઉત્પાદનનો અંદાજ છે. દેશભરમાં પણ મગફળીના પાકમાં 30 ટકાનો વધારો થયો છે.

બજારના નિષ્ણાતોના મતે, પુરવઠો પૂરતો હોવા છતાં ભાવ વધવાનું કારણ સ્થાનિક સ્તરે સિંગતેલના ઊંચા ભાવ સાથે જ વેચાણ કરવાની વૃત્તિ છે. સરકારે આ મામલે કોઈ નિર્ણાયક પગલાં લીધા નથી, જેનો લાભ લઈને વેપારીઓ ભાવ વધારી રહ્યા હોવાની ચર્ચા છે.

દરમિયાન, સૌરાષ્ટ્રની તેલ બજારમાં કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 7 નવેમ્બરે બજાર બંધ થયું ત્યારે કપાસિયા તેલ રૂ.2,540-2,600થી ઘટીને રૂ.2,470-2,530ના ભાવે વેચાયું હતું. પામ તેલમાં પણ રૂ.30નો ઘટાડો થયો છે. હવે સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવ તફાવત રૂ.580નો થઈ ગયો છે, જેને કારણે ઘરેલું રસોઈ અને ફરસાણમાં કપાસિયા તેલનો ઉપયોગ વધવાની શક્યતા છે.