વૈજ્ઞાનિકોના એક નવા અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 1979 થી 2023 દરમિયાન ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના બરફના આવરણમાંથી લગભગ 12.5 ટ્રિલિયન ટન (12 લાખ કરોડ ટન) બરફ ગુમાવ્યો છે. 'સાઇન્ટિફિક ડેટા જર્નલ'માં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, આટલા બરફના ધસારાને કારણે વૈશ્વિક સમુદ્ર સપાટી 3.1 સેન્ટિમીટર વધી છે. આ ડેટા 27 સેટેલાઇટ મિશનના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જે પહેલાંના અંદાજ કરતાં વધુ સચોટ ગણાય છે.
અભ્યાસમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે 84 ટકા બરફનું નુકસાન સપાટી પરની ગરમ હવાથી નહીં, પણ નીચે અને કિનારાના ભાગોમાં ગરમ દરિયાઈ પાણીના કારણે થયું છે. ગ્લેશિયર ઝડપથી વહીને સમુદ્રમાં ભળી રહ્યા છે, જેને 'ડાયનેમિક ઇમ્બેલેન્સ' કહેવાય છે. માત્ર 16 ટકા નુકસાન સપાટીના પીગળવાથી થયું છે. ગ્રીનલેન્ડનું કદ નાનું હોવા છતાં તેમાંથી 60 ટકા બરફ ઓગળ્યો છે, જ્યારે એન્ટાર્કટિકામાંથી 40 ટકા નુકસાન નોંધાયું છે.
વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે સમુદ્ર સપાટીમાં દરેક 1 સેન્ટિમીટરનો વધારો લાખો લોકોને દર વર્ષે પૂરના જોખમમાં મૂકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ સ્થિતિ આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે. તટીય શહેરો અને નીચાણવાળા વિસ્તારોના રક્ષણ માટે વૈશ્વિક સ્તરે ઠોસ પગલાં લેવાની જરૂર છે.