સત્ય. સાહસ. સંકલ્પ.

રાત્રે જમ્યા પછી એક લીલી એલચી ચાવો: પાચન સુધરે, મોંની દુર્ગંધ જાય

રાત્રે જમ્યા પછી એક લીલી એલચી ચાવો: પાચન સુધરે, મોંની દુર્ગંધ જાય

રાત્રે ભોજન કર્યા પછી ઘણા લોકોને મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે અને તેના કારણે તેઓ વધુ ગળી વસ્તુ ખાઈ લે છે. આવી ટેવ સ્વાસ્થ્ય માટે સારી નથી. એવામાં જમ્યા પછી એક લીલી એલચી ચાવવી સરળ અને ઉપયોગી વિકલ્પ બની શકે છે.

રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી લીલી એલચી સ્વાસ્થ્ય માટે પણ લાભકારી માનવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ ઉપરાંત પાચન તથા મોંના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓમાં તે મદદરૂપ થઈ શકે છે. જમ્યા પછી નિયમિત એક લીલી એલચી ચાવવાથી થતા ફાયદા નીચે મુજબ છે.

મોંની દુર્ગંધ દૂર કરે: જમ્યા પછી એક એલચી ચાવવાથી મોંની વાસ ઘટે છે. તેની કુદરતી સુગંધ મોંને લાંબા સમય સુધી તાજગી આપે છે.

ગળાને તાજગી આપે: ભોજન પછી નાની લીલી એલચી ધીમે-ધીમે ચાવવાથી મોં અને ગળામાં તાજગીનો અહેસાસ થાય છે.

પાચનમાં મદદ કરે: રાત્રે ભારે કે તેલવાળું ભોજન ખાધા પછી પેટમાં ભારેપણું લાગે તો એલચી ચાવવી ઉપયોગી ગણાય છે. તે પાચક રસોને સક્રિય કરવામાં મદદ કરે છે, જેથી ભોજન સરળતાથી પચે છે.

એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર: લીલી એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે, જે શરીરના કોષોને સ્વસ્થ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

મીઠાઈની ઈચ્છા ઘટાડે: જમ્યા પછી તરત ગળ્યું ખાવાની ટેવ હોય તો એલચી સારો વિકલ્પ છે. તેનો કુદરતી મીઠો અને સુગંધિત સ્વાદ સ્વાદગ્રંથિઓને સંતોષે છે, જેથી વધુ મીઠાઈ ખાવાની ટેવ ઘટાડવામાં મદદ મળે છે.

નોંધ: એલચી ખાવાથી થતા ફાયદા વ્યક્તિએ વ્યક્તિ અલગ હોઈ શકે છે. કોઈ પણ આરોગ્ય સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.