સત્ય. સાહસ. સંકલ્પ.

ગ્રીસમાં એર શો દરમિયાન F-4 ફાઈટર જેટ ક્રેશ, બંને પાઈલટનાં મોત

ગ્રીસમાં એર શો દરમિયાન F-4 ફાઈટર જેટ ક્રેશ, બંને પાઈલટનાં મોત

ગ્રીસના તાનાગ્રા એર બેઝ પર શનિવારે 'એથન્સ ફ્લાઇંગ વીક' એર શો દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. કરતબ બતાવી રહેલું બે સીટવાળું F-4 ફેન્ટમ ફાઈટર જેટ હજારો દર્શકોની નજર સમક્ષ જ પડી ભાંગ્યું હતું.

આ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાઈલટનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જેટ નીચે તરફ ખાબકતું જોવા મળે છે, ત્યારબાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડે છે.

આ દુર્ઘટના એર શો જોવા આવેલા દર્શકોથી થોડાક સો મીટરના અંતરે ઘટી હતી, જેના કારણે સમગ્ર એર બેઝ પર અફરાતફરી મચી ગઈ હતી. એરફોર્સના અધિકારીઓએ બંને પાઈલટના મૃતદેહને રિકવર કર્યા હતા.

ક્રેશ બાદ એર બેઝની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પર કાબૂ મેળવવા માટે 85 અગ્નિશામકો તેમજ 11 પાણી છાંટતા વિમાનો અને હેલિકોપ્ટરોને કામે લગાડવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા અપીલ કરવામાં આવી હતી.

આ દુર્ઘટના બાદ આયોજકોએ આગામી કાર્યક્રમો રદ કરી દીધા છે. 'એથન્સ ફ્લાઇંગ વીક' એ વાર્ષિક યોજાતો મિલિટરી અને સિવિલ એવિએશન શો છે, જેમાં વિવિધ દેશોની ટીમો ભાગ લેતી હોય છે.