કચ્છના અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલા ઘોરાડ અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રે એક મહત્ત્વની સિદ્ધિ નોંધાઈ છે. અહીં 26 માર્ચે જન્મેલું ઘોરાડનું બચ્ચું નર હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) અને વન વિભાગના સંયુક્ત મૂલ્યાંકન બાદ આ માહિતી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી આ અભયારણ્યમાં એક પણ નર ઘોરાડ જોવા મળ્યો ન હતો, જેના કારણે ગુજરાતમાં આ પ્રજાતિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો. હવે આ નર બચ્ચાના જન્મથી કચ્છમાં ઘોરાડના વંશવેલાને આગળ વધારવાની નવી આશા જાગી છે.
બચ્ચાને નર ગણાવવા પાછળ તેના શારીરિક લક્ષણોને આધાર બનાવાયો છે. તેના માથા પર રાખોડી પીંછાનો અભાવ, ઘેરો કાળો રંગ, પ્રમાણમાં જાડી ગરદન અને પગની વિશિષ્ટ રચના જેવા લક્ષણો સ્પષ્ટ દેખાય છે. હાલમાં નલિયા અભયારણ્યમાં લગભગ ત્રણ માદા ઘોરાડ મુક્તપણે વિહાર કરી રહી છે, અને આ નવા નર સાથે ભવિષ્યમાં કુદરતી સંવર્ધનનો માર્ગ મોકળો બનશે તેવી ધારણા છે.
આ સફળતા પાછળ 'જમ્પ સ્ટાર્ટ એપ્રોચ' હેઠળ કરાયેલા પ્રયાસોનો ફાળો છે. કચ્છમાં માદા ઘોરાડ ઈંડાં મૂકતી હતી, પરંતુ નરની ગેરહાજરીને કારણે તે અફળ રહેતાં હતાં. આ સમસ્યાના ઉકેલ માટે રાજસ્થાનના જેસલમેર (સેમ) ખાતેના બ્રીડિંગ સેન્ટરથી એક ફળદ્રુપ ઈંડું પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં રોડ માર્ગે 770 કિમીનું અંતર કાપીને કચ્છ લાવવામાં આવ્યું હતું. 22 માર્ચે કચ્છની માદાના માળામાંથી અફળ ઈંડું હટાવીને આ ઈંડું મૂકાયું હતું. માદાએ તેને સેવીને 26 માર્ચે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ જ પદ્ધતિથી મે મહિનામાં બીજું બચ્ચું પણ જન્મ્યું હતું.
વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રીના વિઝન બાદ 2016માં 'પ્રોજેક્ટ GIB' શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનમાં ઘોરાડની સંખ્યા વધીને 73 થઈ છે, જેનો લાભ હવે ગુજરાતને મળી રહ્યો છે. કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી અને રાજ્યના વન મંત્રીએ આ સંયુક્ત પ્રયાસોને બિરદાવતાં લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ માટે નિર્ણાયક પગલું ગણાવ્યું છે.
હાલમાં વન વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા માદા અને આ નર બચ્ચાનું 24 કલાક કડક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એક દાયકાના ઇન્તેજાર બાદ કચ્છના ઘાસિયા મેદાનમાં ફરી ઘોરાડની કિલકારીઓ ગૂંજતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.