સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રિજ વગર મહિનાઓ સુધી તાજી રહે દ્રાક્ષ, અફઘાનિસ્તાનની માટીના કન્ટેનરવાળી પદ્ધતિ વાયરલ

ફ્રિજ વગર મહિનાઓ સુધી તાજી રહે દ્રાક્ષ, અફઘાનિસ્તાનની માટીના કન્ટેનરવાળી પદ્ધતિ વાયરલ

દ્રાક્ષ ખરીદ્યાના થોડા જ દિવસોમાં નરમ પડવા લાગે છે અને તેનો સ્વાદ બદલાઈ જાય છે. પણ સોશિયલ મીડિયા પર હાલમાં અફઘાનિસ્તાનની એક જૂની પદ્ધતિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફ્રિજ કે કોઈ રસાયણ વગર માત્ર માટીના કન્ટેનરમાં દ્રાક્ષને મહિનાઓ સુધી તાજી રાખવામાં આવે છે.

આ પદ્ધતિમાં દ્રાક્ષના ઝૂમખાને સાવચેતીપૂર્વક માટીના ખાસ કન્ટેનરમાં ગોઠવવામાં આવે છે. ત્યાર બાદ કન્ટેનરને માટીથી સારી રીતે સીલ કરી દેવામાં આવે છે, જેથી બહારની હવા અને ભેજ અંદર ન પ્રવેશી શકે. આ પછી કન્ટેનરને ઠંડી અને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવે છે. મહિનાઓ પછી જ્યારે તેને ખોલવામાં આવે છે, ત્યારે દ્રાક્ષ ઘણી વાર તાજી, મીઠી અને ખાવા લાયક રહે છે.

માટીનું કન્ટેનર અંદરનું તાપમાન પ્રમાણમાં ઠંડું અને સ્થિર રાખવામાં મદય કરે છે. સીલ કરવાથી બહારની હવા અને ભેજ સાથેનો સંપર્ક ઘટે છે, જેથી દ્રાક્ષ બગડવાની પ્રક્રિયા ધીમી પડે છે. જોકે, દ્રાક્ષ કેટલા સમય સુધી તાજી રહેશે તે તેની ગુણવત્તા, સ્ટોરેજની સ્થિતિ, કન્ટેનર અને તાપમાન પર આધાર રાખે છે. તેથી દરેક વખતે દ્રાક્ષ મહિનાઓ પછી બિલકુલ તાજી જ મળે એ જરૂરી નથી.

અફઘાનિસ્તાનમાં દ્રાક્ષની ખેતી મહત્ત્વની ગણાય છે. ત્યાં અલગ-અલગ જાતની દ્રાક્ષ ઉગાડવામાં આવે છે અને લાંબા સમય સુધી સાચવવા માટે પરંપરાગત રીતોનો ઉપયોગ થતો રહ્યો છે. માટીના કન્ટેનરમાં દ્રાક્ષ રાખવાની આ ટેકનિક દર્શાવે છે કે આધુનિક રેફ્રિજરેશન પહેલાં લોકો ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવવાની રીતો જાણતા હતા. આજે આ વીડિયો જોનારા ઘણા લોકોને સાધારણ માટીના કન્ટેનરથી આટલો ફાયદો થાય છે એ માનવું અઘરું લાગે છે.