સત્ય. સાહસ. સંકલ્પ.

GPSCમાં શિશિર ત્રિવેદીની નિમણૂક વિવાદ: ભાજપ સાથે જોડાણનો કોંગ્રેસનો આક્ષેપ, રદ કરવાની માંગ

GPSCમાં શિશિર ત્રિવેદીની નિમણૂક વિવાદ: ભાજપ સાથે જોડાણનો કોંગ્રેસનો આક્ષેપ, રદ કરવાની માંગ

અમદાવાદ: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)માં તાજેતરમાં 7 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં શિશિર ત્રિવેદીની સભ્ય પદે નિમણૂકને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આ નિમણૂકને અયોગ્ય ગણાવી છે અને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે શિશિર ત્રિવેદી ભાજપના સક્રિય સભ્ય છે અને RSS સાથે પણ જોડાયેલા છે. તેમના X (ટ્વિટર) હેન્ડલ પર પણ ભાજપ સાથે જોડાયેલી રાજકીય પ્રવૃત્તિઓ જોવા મળે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે એક રાજકીય વ્યક્તિ ઉમેદવારોનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે GPSCને પસંદગીના આધારે પાર્ટી સિલેક્શન કમિશન જેવું બનાવી દીધું છે, જેના કારણે પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે.

ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું કે શિશિર ત્રિવેદી અંગ્રેજી અને ગુજરાતી યોગ્ય રીતે લખી શકતા નથી, તો તેઓ વર્ગ 1-2ની પસંદગી માટે ઇન્ટરવ્યૂ કેવી રીતે લેશે. તેમણે કહ્યું કે GPSC છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યું છે. લાંબા સમય સુધી સભ્યોની નિમણૂક ન થઈ, જેના કારણે 15,000 જેટલા ઉમેદવારો પાસ થયા છતાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અટકી હતી. ઇન્ટરવ્યૂ માટે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. લાંબા વિવાદ બાદ સભ્યોની નિમણૂક થઈ છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અગાઉ પણ ગુજરાતના યુવાનો સાથે ભેદભાવ થયો છે. લેખિતમાં વધુ માર્ક્સ હોય તો ઇન્ટરવ્યૂમાં ઓછા અને ઇન્ટરવ્યૂમાં વધુ હોય તો લેખિતમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે. આને કારણે ગોઠવણની વ્યવસ્થા ઊભી થઈ છે. ગમતા લોકોને પસંદ કરવા માટે અગાઉથી જ માહિતી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ચિઠ્ઠીઓ નાખવાની વાત થાય છે, પરંતુ તે ચિઠ્ઠીઓ ક્યાંથી આવે છે અને તેની પાછળ કઈ રમત ચાલે છે, તે સમજવું જરૂરી છે. ભાજપ અને RSS દ્વારા પોતાના નજીકના લોકોને પસંદ કરાવવા માટે સિસ્ટમ પર કબજો કરવામાં આવી રહ્યો છે.

ડૉ. દોશીએ કહ્યું કે તમામ ભરતીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. ચૂંટણીમાં કમિશનર મૂકીને મતદાનમાં ગોઠવણ કરવામાં આવે છે અને ભરતીમાં પોતાના માણસને મૂકીને આખી વ્યવસ્થા પર કબજો કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એક તરફ મતદાનમાં ગોઠવણ અને બીજી તરફ નોકરીમાં ગોઠવણ થાય છે. તેથી અમે માંગ કરીએ છીએ કે શિશિર ત્રિવેદીની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ નિમણૂક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ગરીબ અને મધ્યમ વર્ગના સાચા ઉમેદવારોના ભોગે ભાજપના કાર્યકરોને સરકારી નોકરી આપવા માટે સુનિયોજિત ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકારે ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો છે, જેનો જવાબ યુવાનો આપશે. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે ધ્યાન દોરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કરે શિશિર ત્રિવેદીની પ્રતિક્રિયા લેવા ટેલિફોનિક પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.