ગુજરાત સરકારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં 7 નવા સભ્યોની નિમણૂક કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD), ગાંધીનગરે 28 સપ્ટેમ્બરના રોજ આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. બંધારણની કલમ 316(1) હેઠળ રાજ્યપાલે આ નિમણૂકો કરી છે. નવા સભ્યો જે તારીખથી હોદ્દો સંભાળશે તે જ તારીખથી તેમની નિમણૂક અમલી ગણાશે.
નવા નિયુક્ત સભ્યોમાં વહીવટી ક્ષેત્રનો અનુભવ ધરાવતા વર્તમાન અને નિવૃત્ત IAS અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. GPSCમાં છેલ્લા ઘણા સમયથી સભ્યોની જગ્યાઓ ખાલી હતી, જેના કારણે વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા, ખાસ કરીને ઇન્ટરવ્યૂ, ધીમી ગતિએ ચાલી રહી હતી. ઘણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી લાંબા સમયથી ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યા હતા.
નવા સભ્યોની નિમણૂકથી GPSCની કામગીરીને ઝડપ મળશે તેવી ધારણા છે. ભરતી પરીક્ષાઓનું આયોજન, પરિણામોની જાહેરાત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે. આ નિમણૂકોથી લાખો યુવાનોમાં આશા જાગી છે.
નવા સભ્યોની યાદી:
- શ્રી કિશોર એલ. બચાણી, IAS (SCS: GJ: 2010)
- શ્રી કે. સી. સંપટ, IAS (SCS: GJ: 2012)
- શ્રી કે. એસ. વસાવા, પૂર્વ IAS (નિવૃત્ત)
- શ્રી મયૂર કે. મહેતા, IAS (Selection: GJ: 2014)
- શ્રી એચ. જે. પ્રજાપતિ, IAS (SCS: GJ: 2018)
- શ્રી દીપકકુમાર અશોકભાઈ રાઠોડ (નિવૃત્ત અધીક્ષક ઇજનેર / Superintending Engineer)
- ડૉ. શિશિર મનોહરભાઈ ત્રિવેદી