અમદાવાદમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા 25 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત ચેકિંગ વચ્ચે પરીક્ષા સંપન્ન થઈ હતી. 8 ઓગસ્ટે જનરલ નોલેજનું પ્રથમ પેપર લેવાયા બાદ, 6 સપ્ટેમ્બરે બીજું પેપર લેવાયું હતું.
પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ જણાવ્યું હતું કે પેપર અપેક્ષા કરતાં વધુ લાંબુ અને તાર્કિક હતું. નાણાકીય સંચાલન અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નોનું પ્રમાણ વધુ રહ્યું હતું. પરીક્ષાર્થી અનિકેત પ્રજાપતિએ કહ્યું, 'પ્રશ્નો લાંબા હોવાથી વાંચવામાં જ ઘણો સમય ગયો. અપેક્ષિત માળખું માત્ર 40-50 ટકા જ પૂછાયું, બાકીના પ્રશ્નો વ્યવહારુ જ્ઞાન અને નિર્ણયશક્તિ ચકાસે તેવા તાર્કિક હતા.'
અન્ય ઉમેદવાર નિમેશ ગુર્જરે જણાવ્યું કે, 'સામાન્ય જ્ઞાન અને પાયાની તૈયારી ધરાવતા ઉમેદવારો માટે પેપર અનુકૂળ હતું. આશરે 200 ગુણના આ પેપરમાં કટ-ઑફ ઊંચું રહેવાની અપેક્ષા છે.' મહિલા ઉમેદવાર ફોરમબહેને કહ્યું, 'પ્રશ્નોનું સ્તર યોગ્ય હતું, પરંતુ પ્રશ્નપત્ર લાંબુ હોવાથી સમય ઓછો પડ્યો. સિલેબસ બહારના પણ કેટલાક પ્રશ્નો હોય તેવું લાગ્યું.'
ગ્રીષ્મા રાજપૂતે જણાવ્યું કે, 'ક્વોન્ટિટેટિવ, કરન્ટ અફેર્સ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાંથી વધુ સવાલો હતા. કેટલાક વિકલ્પો અસ્પષ્ટ હતા, એટલે તે પ્રશ્નો રદ થવાની શક્યતા છે.' સફળ ઉમેદવારોને રાજ્યના વિવિધ વહીવટી વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે.