નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે હવે બેંકો 2,000 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવી શકશે નહીં. આ જ રીતે RuPay ડેબિટ કાર્ડ દ્વારા 2,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર પણ કોઈ ફી લેવામાં આવશે નહીં.
સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર ચાર્જ લેવાનો નિર્ણય NPCIની આગેવાની હેઠળની UPI અને સર્વિસિસ સ્ટીયરિંગ કમિટી કરશે.
નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ, જો ભવિષ્યમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવે તો પણ તે ફક્ત નિશ્ચિત મર્યાદાથી વધુ રકમની ચૂકવણી પર અને ખૂબ જ નજીવા દરે લાગુ પડશે. સરકારે એમ પણ કહ્યું કે આ સ્થિતિમાં પણ શુલ્ક ડેબિટ કે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર લાગતા MDRની સરખામણીમાં ઘણો ઓછો હશે.
આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં કરવામાં આવેલા સુધારા બાદ UPI વ્યવહારો પર શુલ્ક લગાવવાની આશંકાઓ અંગે ચર્ચા ચાલી રહી હતી.
ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન RBI પાસે છે, જ્યારે IMPS, RuPay અને UPI જેવી સિસ્ટમ્સનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) કરે છે. સરકારે 1 જાન્યુઆરી 2020થી UPI ટ્રાન્ઝેક્શન માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.
UPI સેવા માટે એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ બનાવવું પડે છે અને તેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડે છે. પછી બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ કે IFSC કોડ યાદ રાખવાની જરૂર રહેતી નથી. પેમેન્ટ કરનાર વ્યક્તિ ફક્ત મોબાઇલ નંબર કે UPI ID (ઈ-મેલ ID, મોબાઇલ નંબર કે આધાર નંબર) મુજબ પેમેન્ટ રિક્વેસ્ટ પ્રોસેસ કરે છે. આ સિવાય યુટિલિટી બિલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ વગેરે માટે નેટ બેન્કિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડની પણ જરૂર પડતી નથી.