બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહૂજા વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવિધ અટકળો ચર્ચામાં છે. આ અટકળો વચ્ચે સુનીતા આહૂજાએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના વૈવાહિક જીવન અંગે ખુલીને વાત કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમનો પરિવાર ફરી એકવાર સાથે અને ખુશહાલ જોવા મળશે.
ઈન્ટરવ્યૂમાં જ્યારે સુનીતાને પૂછવામાં આવ્યું કે શું તેઓ અને ગોવિંદા ફરી સાથે જોવા મળશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, “બિલકુલ, કેમ નહીં? હાલમાં અમારો સમય સાથ નથી આપી રહ્યો અને સમય સામે લડી શકાતું નથી. આ 40 વર્ષ જૂનું લગ્નજીવન છે, આ એમ થોડાં તૂટી જશે? ગોવિંદા તેમને જે ગમે છે તે કરી રહ્યા છે અને હું મારા કામ પર ધ્યાન આપી રહી છું, પરંતુ આ ભવમાં અમને કોઈ અલગ કરી શકે નહીં. બાકી બધું મેં ભગવાન પર છોડી દીધું છે.”
સુનીતાએ જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે એક સમય હતો જ્યારે દિવાળી પર ગોવિંદા તેમને સોનાના દાગીના અને ભેટ આપતા હતા. તેમણે રમુજી અંદાજમાં ઉમેર્યું કે હવે ગોવિંદા થોડા કંજૂસ થઈ ગયા છે. તેમણે કહ્યું, “ઘરની લક્ષ્મી છું યાર, આપવું તો જોઈએ, કહેવાય છે ને કે ઘરની લક્ષ્મીને આપવાથી લક્ષ્મી વધે છે. પણ મને લાગે છે સોનાના ભાવ હાલ બહુ વધી ગયા છે તેના કારણે નહીં આપતા હોય.”
ઉલ્લેખનીય છે કે ગોવિંદાનું નામ તેમની આગામી ફિલ્મ 'રૂપા'ની સહ-કલાકાર કોમલ રાણી સાથે જોડવામાં આવ્યું હતું, જેને લઈને મીડિયામાં વિવિધ અટકળો વહેતી થઈ હતી. અગાઉ કોમલે પણ સોશિયલ મીડિયા પર પોતાની સફાઈ આપતા પર્સનલ લાઈફના વિવાદો પર નિવેદન આપ્યું હતું. આ અંગે સુનીતાએ સ્પષ્ટ કર્યું કે હવે તેઓ કોઈ પણ વિવાદમાં પડવા નથી માંગતા અને તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના કામ પર છે.
નોંધનીય છે કે, સુનીતા આહૂજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. આ સમાચાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સામે આવ્યા હતા, જ્યારે હોટરફ્લાઈએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે સુનીતાએ હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. અરજીમાં તેમણે ગોવિંદા પર ક્રૂરતા, બેવફાઈ અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.