સત્ય. સાહસ. સંકલ્પ.

ગોવિંદા અને કોમલની પ્રિ-વેડિંગ ફોટોશૂટ જેવી તસવીરો વાયરલ, સુનિતાએ લગાવ્યો બીજા લગ્નનો આરોપ

ગોવિંદા અને કોમલની પ્રિ-વેડિંગ ફોટોશૂટ જેવી તસવીરો વાયરલ, સુનિતાએ લગાવ્યો બીજા લગ્નનો આરોપ

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની ચર્ચિત સહઅભિનેત્રી કોમલ રાણી સ્વર્ણકારની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ તસવીરોમાં બંને એકબીજાનો હાથ પકડીને અને નજીક ઊભા રહીને પ્રિ-વેડિંગ ફોટોશૂટ જેવા પોઝ આપતા જોવા મળે છે.

કોમલે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, "રૂપાની સુંદર ઝલક." આ તસવીરો ફિલ્મ 'રૂપા'ના પ્રમોશન દરમિયાન લેવામાં આવી હોવાનું જણાવાય છે. એક તસવીરમાં ગોવિંદા સફેદ બ્લેઝર, કાળા ટ્રાઉઝર અને મોટા સનગ્લાસમાં જોવા મળે છે, જ્યારે કોમલે પર્પલ બ્લાઉઝ સાથે લેવેન્ડર રંગની સાડી અને ચોકર નેકલેસ પહેર્યો છે. એક તસવીરમાં ગોવિંદા કોમલની પાછળ ઊભા રહીને તેમની કમર પર હાથ મૂકેલા દેખાય છે, જ્યારે બીજી તસવીરમાં બંને હાથ પકડીને ચાલતા નજરે પડે છે.

આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે 2026ની શરૂઆતથી જ બંનેના અફેર અને લગ્નની અટકળો ચાલી રહી છે. આ પહેલાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ પણ બંનેના સંબંધો પર જાહેરમાં ઘણી વખત સવાલ ઉઠાવ્યા છે.

બંને વચ્ચેની નિકટતાની ચર્ચા વર્ષ 2026માં ત્યારે વધી હતી, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં તેઓ મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. ગોવિંદાએ તે મુલાકાતને ફિલ્મ 'રૂપા' સાથે જોડાયેલી ગણાવી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં ગોવિંદાએ અફેરના અહેવાલોને નકારી કાઢતાં તેને તેમની છબી ખરાબ કરવા અને પરિવારમાં વિખવાદ ઊભો કરવાની સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોમલ સાથેનો તેમનો સંબંધ સંપૂર્ણપણે વ્યાવસાયિક છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ પાપારાઝી સાથે વાત કરતી વખતે બંને પર કટાક્ષ કર્યો હતો. સુનીતાએ ગોવિંદાને કોમલના 'શુગર ડેડી' ગણાવતા આરોપ લગાવ્યો હતો કે બંને લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, ગોવિંદાના મેનેજર શશી સિંહાએ આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. મેનેજરે કહ્યું કે બીજા લગ્નનો કોઈ પ્રશ્ન જ નથી, સુનીતા જ ગોવિંદાની પત્ની છે. ગોવિંદા અને સુનીતાના લગ્ન 1987માં થયા હતા અને તેમને બે સંતાનો છે.

સતત થઈ રહેલી ટીકાઓ બાદ કોમલ રાણી સ્વર્ણકારે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લાંબું નિવેદન જારી કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સુનીતા આહુજાનું નામ લીધા વિના કોમલે લખ્યું હતું કે પહેલેથી જ તૂટેલા ઘરને બીજું કોઈ તોડી શકતું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે જનતાની સહાનુભૂતિ મેળવવા માટે વિક્ટિમ કાર્ડ રમવામાં આવી રહ્યું છે. કોમલે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે પતિ-પત્ની વચ્ચેના પરસ્પરના વૈવાહિક વિવાદોમાં તેમનું નામ શા માટે ઘસેડવામાં આવી રહ્યું છે.