સત્ય. સાહસ. સંકલ્પ.

ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે દર્શન, પત્ની સુનીતાનો કટાક્ષ: 'માણસો દગાબાજ, શ્વાન વફાદાર'

ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે દર્શન, પત્ની સુનીતાનો કટાક્ષ: 'માણસો દગાબાજ, શ્વાન વફાદાર'

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. મંગળવારે સાંજે તેઓ તેમની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકાર સાથે મુંબઈના લાલબાગચા રાજા પહોંચ્યા હતા. બંનેએ બાપ્પાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન ગોવિંદા કોમલ રાનીનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.

આ વચ્ચે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાનું એક નિવેદન સામે આવ્યું છે. મુંબઈ એરપોર્ટ પર પોતાના પાલતુ શ્વાન વિન્ટર સાથે સ્પોટ થયેલા સુનીતાએ પાપારાઝી સાથે વાત કરતી વખતે કહ્યું કે, માણસોને ગમે તેટલો પ્રેમ કરો, તેનો કોઈ ફાયદો નથી. તે માત્ર દગો જ આપે છે. શ્વાન વિન્ટર તરફ ઇશારો કરતા તેમણે ઉમેર્યું કે, આ લોકોને પ્રેમ કરો, જુઓ તેઓ હંમેશા વળગેલા રહે છે. વિન્ટર મને હંમેશા વિદાય આપવા આવે છે અને કેમેરામાં પણ જોતા બરાબર આવડે છે. મનુષ્યો કરતાં તો પ્રાણીઓ વધુ સારા હોય છે ભાઈ. પ્રાણીઓને પ્રેમ કરો, માણસોને નહીં, માણસો દગાબાજ હોય છે.

પાપારાઝી સાથેની વાતચીત દરમિયાન સુનીતાએ પોતાના શ્વાનને પ્રેમથી 'દીકરો' કહ્યો હતો. જોકે, આ નિવેદન આપતી વખતે સુનીતાએ સીધું ગોવિંદાનું નામ લીધું નહોતું.

દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ગોવિંદા અને કોમલ રાનીએ પંડાલમાં પ્રસાદ ધરાવ્યો અને પૂજા-અર્ચનામાં ભાગ લીધો. પૂજારીએ બંનેના કપાળ પર તિલક લગાવ્યું. દર્શન બાદ ગોવિંદાએ બહાર હાજર ચાહકો સામે હાથ હલાવીને મુલાકાત કરી.

ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને કોમલ રાની દર્શન કરવા પહોંચે તેના થોડા સમય પહેલાં જ સુનીતા આહૂજા પણ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. તે પોતાની સુરક્ષા ટીમ સાથે એકલી જ ગઈ હતી. બંનેના અફેરની અફવાઓ ફરી તેજ થઈ ગઈ છે.

આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદા અને સુનીતા સાથે જોવા મળ્યા નહોતા. ગણેશ ચતુર્થીના અવસરે સુનીતા આહૂજાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન ગોવિંદા અને સુનીતાના દીકરા યશવર્ધન તથા દીકરી ટીના પણ હાજર હતાં, પરંતુ ગોવિંદા જોવા મળ્યો નહોતો.

ગણેશ ચતુર્થીના દિવસે સુનીતાએ જણાવ્યું હતું કે, ગોવિંદા હાલમાં અમેરિકામાં છે અને રાત સુધીમાં પાછા ફરશે. જો મુસાફરી બાદ તેઓ થાકેલા હશે, તો આજે બાપ્પાનાં દર્શન કરવા નહીં આવે, પણ કાલે દર્શન કરવા જરૂર આવશે. બાદમાં ગોવિંદા દર્શન માટે ઘરે ગયો હતો, જ્યાં તેમનાં બાળકો ટીના અને યશવર્ધન નજરે પડ્યાં હતાં. જોકે, ગોવિંદા જાહેરમાં સુનીતા સાથે નજરે પડ્યા નહોતા.

બીજી તરફ, ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં રવિવારે સુનીતા આહૂજા ગણપતિ બાપ્પાને ઘરે લઈને આવ્યાં હતાં. તે વખતે તેઓ એકલાં જ ઢોલના તાલે ડાન્સ કરતાં નજરે પડ્યાં હતાં. ત્યારે પણ ગોવિંદા તેમની સાથે જોવા મળ્યા નહોતા.

નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષથી ગોવિંદા અને સુનીતાના લગ્નજીવનના સમાચારો ચર્ચામાં છે. ગયા મહિને સુનીતાએ ગોવિંદા વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ગયા વર્ષે ગણેશોત્સવના થોડા દિવસો પહેલાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુનીતાએ ગોવિંદા પાસેથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જોકે, ગણેશોત્સવ દરમિયાન બંને સાથે જોવા મળ્યાં હતાં.

ગણેશ ચતુર્થી પહેલાં સુનીતાએ ઝૂમને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વર્ષના ગણેશોત્સવ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે તેઓ પોતે ગણપતિ બાપ્પાને ઘરે લાવશે. તેમણે તેનું કારણ પણ જણાવ્યું હતું. સુનીતાએ કહ્યું હતું કે, ગયા વર્ષે તેમણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને બાપ્પાના આશીર્વાદથી તેમને બે ટીવી શોમાં કામ મળ્યું હતું.