બોલિવૂડ અભિનેતા ગોવિંદા હાલમાં તેમની આગામી ફિલ્મોને કારણે નહીં, પરંતુ પત્ની સુનિતા આહૂજા અને ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની વચ્ચે ચાલી રહેલા વિવાદને લીધે ચર્ચામાં છે. આ વિવાદ વચ્ચે ગોવિંદાની દીકરી ટીના આહૂજા એક ઇવેન્ટમાં પહોંચી હતી. ત્યાં પેપરાઝીએ તેને પારિવારિક વિવાદ અંગે સીધો સવાલ પૂછતાં તે ઉશ્કેરાઈ ગઈ હતી.
ઇવેન્ટ દરમિયાન એક રિપોર્ટરે ટીનાને પૂછ્યું, 'તમારા પરિવારમાં આજકાલ ઘણી બધી વાતો ચાલી રહી છે. કોમલ રાની પણ ઈન્સ્ટાગ્રામ પર તમારા મમ્મી-પપ્પા માટે કંઈક ને કંઈક લખી રહી છે.' રિપોર્ટર પોતાનો સવાલ પૂરો કરે તે પહેલાં જ ટીનાએ આ વિષય પર વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
ટીનાએ કહ્યું, 'અહીં ફક્ત આ જ વિષય (ઇવેન્ટ) પર વાત કરીએ... થેંક યુ.' એટલું કહીને તે સવાલનો જવાબ આપ્યા વિના આગળ વધી ગઈ. તેના ચહેરા પર હાસ્ય હતું, પરંતુ તે આ અફવાઓ વિશે વાત કરવા માગતી નથી તે સ્પષ્ટ થાય છે.
ગોવિંદાના 40 વર્ષના લગ્નજીવન પર સંકટના વાદળો ઘેરાયા છે. ગોવિંદાનું નામ તેમની આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે. ખુદ સુનિતાએ પણ આ વાત કહી છે. હાલમાં જ ગોવિંદા લાલબાગચા રાજાના દર્શન માટે કોમલ સાથે ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ આરોપોનો દોર શરૂ થઈ ગયો. કોમલે સ્પષ્ટતા કરી હતી કે ગોવિંદા સાથેની તેની દરેક મુલાકાત ફક્ત વ્યાવસાયિક છે અને તેમની આગામી ફિલ્મ સાથે જોડાયેલી છે.
ગોવિંદા સાથે અફેરની અફવાઓ પર ચાલી રહેલા હોબાળા વચ્ચે કોમલ રાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરીને સુનિતા આહૂજા પર સીધો હુમલો કર્યો હતો. કોમલે લખ્યું હતું, 'જે સ્ત્રી વર્ષોથી પોતાના જ પતિને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહી હોય, તેની બદદુઆઓ કોઈને નથી લાગતી. જે ઘર પહેલેથી જ તૂટેલું હોય, તેને બીજું કોઈ આવીને નથી તોડી શકતું.'
કોમલે આગળ લખ્યું, 'એક માણસને માનસિક રીતે પ્રતાડિત કરવો, તેને કામ કરતા રોકવો, જબરદસ્તી ઘરમાં બેસાડીને બરબાદ કરવો, સૌથી અલગ-થલગ કરી દેવો અને મોતની કગાર પર ધકેલી દેવો, મને નથી લાગતું કે કોઈ પણ સમજદાર કે પતિવ્રતા પત્ની પોતાના પતિ સાથે આવું ઘટિયા વર્તન કરી શકે. શું આવી સ્ત્રીઓ માનસિક રીતે બીમાર હોય છે કે પછી હદથી વધુ ચાલાક, જે જાણે છે કે જે કામ તેઓ ચાર દીવાલ પાછળ નથી કરી શકી, તે જાહેર સભામાં લોકોની હમદર્દી મેળવીને કરી લેશે? પોતાના ફાયદા માટે મારું નામ વાપરવાનું બંધ કરો. ભગવાન દરેક ભલા માણસને આવી ચાલાક અને ખતરનાક સ્ત્રીઓથી બચાવે.'
ઉલ્લેખનીય છે કે ગોવિંદા સાથેના ઝઘડા વચ્ચે સુનિતાએ 19 ઓગસ્ટ 2026ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચીને છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. સુનિતાના કહેવા મુજબ, ગોવિંદા કોમલ સાથે બીજા લગ્ન કરવાનું પ્લાન કરી રહ્યા હતા, આ જ કારણ છે કે તેમણે વિરોધ કરતા છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે.
કામની વાત કરીએ તો, સુનિતા આહૂજા ટૂંક સમયમાં એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ડિરેક્ટર સાજિદ ખાનની ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરશે. ફિલ્મમાં તેનો દીકરો યશવર્ધન આહૂજા, નિતાંશી ગોયલ અને જેમી લીવર પણ જોવા મળશે. આ ફિલ્મ 7 જાન્યુઆરી, 2027ના રોજ રિલીઝ થવાની છે.