સત્ય. સાહસ. સંકલ્પ.

ગોવિંદ કાકાનું સંપત્તિનું સિક્રેટ: 'નોકરી કરતાં બિઝનેસ સારો, લાયકાત હશે તો પૈસા દોડીને આવશે'

ગોવિંદ કાકાનું સંપત્તિનું સિક્રેટ: 'નોકરી કરતાં બિઝનેસ સારો, લાયકાત હશે તો પૈસા દોડીને આવશે'

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને એસઆરકે એક્સપોર્ટ્સના સ્થાપક ગોવિંદભાઈ ઢોલકિયાએ તેમની સફળતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે, નોકરી કરતાં વ્યવસાયમાં પ્રગતિની અમર્યાદિત તકો છે. તેમણે કહ્યું કે, વેપારમાં શરૂઆતમાં સંઘર્ષ થાય છે, પરંતુ લાયકાત હશે તો પૈસા આપોઆપ દોડીને આવશે.

ધનતેરસ અને દિવાળી નિમિત્તે તેમણે પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાના રહસ્ય વિશે વાત કરી. તેમણે કહ્યું કે, બાળપણમાં ક્યારેક 1 પૈસો, 2 પૈસા કે 10 પૈસા રહેતા. સુરત આવ્યા ત્યારે દર રવિવારે વાપરવા માટે 25 પૈસા મળતા અને તેમનો પહેલો પગાર ₹103 હતો. આજે તેમની કંપનીનું ટર્નઓવર ₹12,000 કરોડ છે અને પરિવારમાં આશરે 100 લક્ઝુરિયસ વસ્તુઓ છે. તેઓ આ સફળતાનો શ્રેય ભગવાનની કૃપા અને પરિવારને આપે છે.

ગોવિંદભાઈ કહે છે કે, સંપત્તિ અને સંતતિ માત્ર પ્રારબ્ધથી મળે છે, તેના માટે ક્યારેય ખોટો માર્ગ અપનાવવો જોઈએ નહીં. તેમના મતે સંયુક્ત પરિવાર તેમની સફળતાનું રહસ્ય છે. તેમના પત્ની ચંપાબેન, પુત્ર શ્રેયાંસ અને સમગ્ર પરિવાર તેમના મૂલ્યોને આગળ ધપાવી રહ્યો છે. આખા પરિવારને સારી રીતે સ્થિર થયેલો જોવો એ તેમની જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

રૂપિયાની કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત સમજાવતાં તેમણે કહ્યું કે, દુનિયામાં જેટલા ધનવાન છે એ બધા મૂલ્યવાન નથી હોતા, અને જે ખરેખર મૂલ્યવાન વ્યક્તિઓ છે તેમની પાસે પુષ્કળ પૈસા હોતા નથી. જીવનની પ્રાથમિક જરૂરિયાતો અને પરિવારના સન્માનપૂર્વક ભરણપોષણ માટે પૈસા ખૂબ જરૂરી છે, પરંતુ માત્ર પૈસા જ સુખ આપી શકે તે માન્યતા ભૂલભરેલી છે. સુખ અને દુઃખ એ મનની સ્થિતિ છે. જો પૈસાથી સુખ ખરીદી શકાતું હોત તો અમીરો જ બધું સુખ ખરીદી લેત; વાસ્તવમાં સાચું સુખ સંપત્તિમાં નહીં પણ માણસના સ્વભાવ અને સંતોષમાં રહેલું છે.

પડકારો અંગે સુંદર ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, જેમ કાર્ડિયોગ્રામમાં ચઢાવ-ઉતાર આવે તો જ માણસ જીવતો ગણાય, સીધી લીટી તો મૃત્યુ પછી જ આવે! જીવન છે તો પડકારો આવવાના જ છે. તેમની કંપનીનો મૂળ મંત્ર છે: 'Problem is Progress' - સમસ્યાઓ જ પ્રગતિનો સાચો માર્ગ ખોલે છે, શરત માત્ર એટલી કે તેને શાંત મગજ અને ધીરજથી હેન્ડલ કરવી પડે.

સંપત્તિના ઘમંડથી બચવા માટે સત્સંગ જરૂરી છે. જ્યારે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ, કીર્તિ અને સફળતા આવે છે, ત્યારે અહંકારી કે બેફામ બની જવાનું જોખમ વધી જાય છે. પૈસાના નશાથી બચવા અને વિચારોને સાચા માર્ગે રાખવા માટે 'સંગબળ' અનિવાર્ય છે. સજ્જનોની વચ્ચે બેસીને સાચી વાતો સાંભળવાથી મન શુદ્ધ રહે છે. ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ સાચા મિત્રો અને સારા માણસોનો સંગ જ માણસને જમીન સાથે જોડી રાખે છે.

પૂજ્ય ડોંગરેજી મહારાજના વિચારોને ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું કે, માણસમાં લાયકાત હોય તો પૈસા આપોઆપ દોડીને આવે છે. સંપત્તિ અને સંતતિ પ્રારબ્ધ અનુસાર જ મળે છે. તેના માટે પુરુષાર્થ જરૂરી છે, પરંતુ અનીતિ આચરવાની કે પાપનો માર્ગ પકડવાની લેશમાત્ર જરૂર નથી. જે નસીબમાં લખેલું છે તે યોગ્ય સમયે મળી જ રહેશે. માત્ર પૈસા કમાવવા માટે ખોટાં કામો કરવા કે ભેળસેળ કરવી એ આવનારી પેઢીઓ માટે વિનાશક સાબિત થાય છે.

વેપારના સિદ્ધાંતો સમજાવતાં તેમણે કહ્યું કે, બિઝનેસનો નિયમ સ્પષ્ટ છે. રૂ.100માં માલ ખરીદીને 110માં વેચવો, પરંતુ વ્યવહાર સો ટકા ચોખ્ખો અને પ્રામાણિક હોવો જોઈએ. જો યુવાનોને તક મળે તો નોકરી કરતાં બિઝનેસ તરફ વળવું વધુ યોગ્ય છે. નોકરીમાં આવકની એક મર્યાદા બંધાયેલી હોય છે, જ્યારે વેપારમાં શરૂઆતમાં સંઘર્ષ ભલે હોય પણ આગળ જતાં અમર્યાદિત પ્રગતિની તકો રહેલી છે.

સમય સાથે તાલ મિલાવો, દરરોજ નવું શીખવું એ જ સાચું જીવન. તેમણે જણાવ્યું કે, ઉગતો દરેક નવો દિવસ કંઈક નવું શીખવા માટે જ આવે છે. આપણે સમય સાથે ચાલવું પડે છે, સમય આપણી રાહ નથી જોતો. 50-60 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી તે આજે નથી રહી. તેથી સતત બદલાતા સમય સાથે તાલ મિલાવીને દરરોજ નવા વિચારો, નવો ભાવ અને નવી સ્કિલ્સ કેળવતા રહેવી જોઈએ.

જીવનના પડકારો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, 'મારા જીવનમાં ક્યારેય એવો સમય નથી આવ્યો કે લક્ષ્મીજી રૂઠ્યા હોય કે કંગાળ થઈ ગયા હોઈએ; આ બધું પ્રભુ કૃપાથી શક્ય બન્યું છે.'

ઘરની લકી લક્ષ્મી કોણ છે તેવા પ્રશ્ન પર તેમણે ગર્વપૂર્વક જણાવ્યું કે, તેમના ઘરમાં રહેલી તમામ સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મી છે.