દિવાળીના બીજા દિવસે, એટલે કે કારતક સુદ એકમના રોજ ગોવર્ધન પૂજા ઉજવાય છે. આ દિવસને અન્નકૂટ ઉત્સવ પણ કહેવાય છે. દેશભરના મંદિરોમાં આ દિવસે અન્નકૂટ ધરાવવામાં આવે છે. 'અન્નકૂટ' શબ્દનો અર્થ થાય છે અનાજનો પર્વત.
પરંતુ આ તહેવાર માત્ર પૂજા પૂરતો મર્યાદિત નથી. તે પ્રકૃતિ, ખેડૂતો, પશુઓ અને સમગ્ર સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પ્રસંગ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને 56 જાતની વાનગીઓનો ભોગ અને પંચમેળ શાક ધરાવવામાં આવે છે. આ પરંપરા પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક કારણો જોડાયેલા છે.
56 ભોગ જ કેમ? 7 દિવસ અને 8 પ્રહરનું ગણિત
ભગવાનને 56 ભોગ ધરાવવાની પરંપરા દ્વાપરયુગની શ્રીકૃષ્ણની લીલા સાથે જોડાયેલી છે. કહેવાય છે કે ઈન્દ્રદેવના ક્રોધને કારણે ગોકુળ પર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. ત્યારે શ્રીકૃષ્ણે ગોકુળને બચાવવા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊંચકી લીધો હતો.
એવી માન્યતા છે કે ગોવર્ધન પર્વતને સતત સાત દિવસ ઊંચકી રાખ્યો ત્યારે શ્રીકૃષ્ણે અન્ન કે જળનો એક દાણો પણ લીધો ન હતો. દરરોજ ભગવાન દિવસમાં આઠ વખત, એટલે કે આઠેય પ્રહર ભોજન લેતા હતા. સાતમા દિવસે વરસાદ બંધ થયો અને સંકટ ટળ્યું. ત્યારે માતા યશોદા અને વ્રજવાસીઓએ પ્રેમથી 56 પ્રકારની વાનગીઓ બનાવીને શ્રીકૃષ્ણને જમાડ્યા. આ ગણતરી સાત દિવસ ગુણ્યા આઠ પ્રહર, એટલે 56 થાય છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ પણ 56 આંકડાને મહત્ત્વ આપવામાં આવે છે. તેને શ્રીકૃષ્ણની વાંસળીના સાત સ્વરો અને સંગીતના આઠ મુખ્ય રાગ સાથે જોડવામાં આવે છે. આ ભગવાન અને ભક્ત વચ્ચેના જોડાણનું પ્રતીક મનાય છે.
થાળીમાં ભોગ ગોઠવવાનો ક્રમ
મંદિરોમાં 56 ભોગ કોઈ પણ ક્રમમાં નથી ગોઠવાતા. તેની એક વ્યવસ્થિત પરંપરા છે. ભગવાનની મૂર્તિની સૌથી નજીક માખણ, મિસરી, મલાઈ, પેંડા, રબડી અને રસમલાઈ જેવી દૂધની વાનગીઓ મૂકવામાં આવે છે. વચ્ચે કચોરી, પૂરી, મઠરી અને અન્ય ખારી-ફરસાણ ગોઠવાય છે. પાયામાં કઢી, દાળ, ભારે અનાજ અને ખીચડી મૂકવામાં આવે છે. થાળીની બરાબર વચ્ચે રાંધેલા ભાતનો મોટો ઢગલો કરાય છે, જે ગોવર્ધન પર્વતનું પ્રતીક મનાય છે.
પંચમેળ શાક અને ઋતુ પરિવર્તન
અન્નકૂટના દિવસે બનતા પંચમેળ શાકનો સ્વાદ અલગ હોય છે. તેની પાછળ ઋતુ પરિવર્તનનું કારણ છે. કારતક મહિનો ઉનાળાની વિદાય અને શિયાળાની શરૂઆતનો સમય છે. આ સમયે બજારમાં ઉનાળાના શાક, જેમ કે કોળું અને દૂધી, તેમજ શિયાળાના નવા શાક, જેમ કે ગાજર, કોબીજ, વટાણા, પાલક અને મેથી, બંને મળે છે. પરંપરા મુજબ આશરે 15 થી 20 જાતના મોસમી શાકભાજી ભેગા કરીને ભગવાનને ધરાવવામાં આવે છે.
આ શાક સાત્વિક રીતે તૈયાર કરાય છે. તેમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થતો નથી. દેશી ઘી કે સરસવના તેલમાં હિંગ અને જીરાનો વઘાર આપીને બધા શાકને એવી રીતે મિક્સ કરાય છે કે દરેક શાકનો સ્વાદ ભળી જાય છે.
સામાજિક સંદેશ
રાજસ્થાનના નાથદ્વારા (શ્રીનાથજી મંદિર) અને મથુરા-વૃંદાવનના બાંકે બિહારી મંદિરથી લઈને ગુજરાત સુધી અન્નકૂટની ઉજવણી થાય છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ આ પ્રસાદ અમીર-ગરીબના ભેદભાવ વિના સૌને સમાન રીતે વહેંચવામાં આવે છે. આ પ્રકૃતિ પ્રેમ અને સામાજિક એકતાનું ઉદાહરણ છે.
(નોંધ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે.)