ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં બુધવારે સાંજે દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા નજીક ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર લોકો હાઈટેન્શન વીજ વાયરની અડફેટે આવી જતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલીમાં દુર્ગા મૂર્તિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનનો સંપર્ક થતાં કરંટનો જોરદાર આંચકો લાગ્યો હતો. ઘટનાસ્થળે ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોના સહયોગથી ઈજાગ્રસ્તોને સારવાર માટે BRD મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પહોંચતાં જ તબીબોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં બે સગા ભાઈઓ અને તેમના માસીયાઈ ભાઈનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ત્રણ યુવાનોના અકાળે મોતથી પરિવારજનોમાં ભારે કલ્પાંત ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અન્ય ઈજાગ્રસ્તો હાલ BRD મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે, જેમાં કેટલાકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.
દુર્ઘટના બાદ રોષે ભરાયેલા પીડિત પરિવારો અને સ્થાનિક લોકોએ BRD મેડિકલ કોલેજના મુખ્ય ગેટ પાસે રસ્તો અવરોધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતાં જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણા અને એસએસપી ડૉ. કૌસ્તુભ તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.