ગૂગલે તેના કર્મચારીઓને સ્વૈચ્છિક એક્ઝિટ પેકેજ (વોલન્ટરી એક્ઝિટ પેકેજ) ઓફર કર્યું છે. આ પેકેજ હેઠળ, જે કર્મચારીઓ સ્વેચ્છાએ નોકરી છોડવાનું પસંદ કરશે તેમને કંપની નાણાકીય વળતર આપશે. આ પગલું કંપનીના ખર્ચને ઘટાડવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં વધુ રોકાણ કરવા માટે લેવામાં આવ્યું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, આ કાર્યક્રમ હાલમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ઉપલબ્ધ છે. ગૂગલે જાહેર કર્યું નથી કે કેટલા કર્મચારીઓએ આ ઓફર સ્વીકારી છે. કંપનીના પ્રવક્તાએ આ માહિતીની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ 2025 ની શરૂઆતમાં પસંદગીના ટીમો માટે શરૂ કરવામાં આવ્યો હતો અને જૂનમાં અન્ય દેશોમાં વિસ્તારવામાં આવ્યો હતો.
જોકે, આ ઓફર ગૂગલના તમામ વિભાગો માટે નથી. કંપનીના AI સંશોધન વિભાગ ડીપમાઇન્ડ અને ગૂગલ ક્લાઉડને આ કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, કારણ કે કંપની આ ક્ષેત્રોમાં ભરતી કરવા માંગે છે. ગૂગલ AI અને ક્લાઉડ વ્યવસાયને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ પગલાની અસર સ્વિટ્ઝર્લૅન્ડમાં પહેલેથી જ જોવા મળી છે. ત્યાંના ગૂગલ કર્મચારીઓને જૂનમાં આ ઓફર મળી હતી અને જેમણે સ્વીકારી તેમણે ઓગસ્ટથી કંપની છોડવાનું શરૂ કર્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં ગૂગલના લગભગ 5,000 કર્મચારીઓ છે અને ઝુરિચમાં મોટું એન્જિનિયરિંગ સેન્ટર છે. એક્ઝિટ પેકેજમાં દર વર્ષના કામ માટે એક મહિનાનો પગાર આપવામાં આવે છે, જેમાં મહત્તમ 12 મહિનાના પગાર સુધીની ચુકવણીની શરત છે. અહેવાલ મુજબ, લગભગ 50 કર્મચારીઓની ટીમમાંથી ઓછામાં ઓછા ચાર લોકોએ આ ઓફર સ્વીકારી છે.
ઉલ્લેખનીય છે કે, માઇક્રોસોફ્ટે પણ તાજેતરમાં સ્વૈચ્છિક એક્ઝિટ પેકેજ ઓફર કર્યું છે. યુએસ, કેનેડા, ભારત અને યુકેમાં લગભગ 60,000 કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર છે, જે કંપનીના કુલ 223,000 કર્મચારીઓના લગભગ 27 ટકા છે. આ ઓફર સ્વીકારનારા કર્મચારીઓ ડિસેમ્બરના અંતે કંપની છોડી દેશે.