ટેક કંપની ગૂગલે પોતાના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (વોલન્ટરી એક્ઝિટ) પેકેજ આપવાનું શરૂ કર્યું છે. કંપનીની માતૃ સંસ્થા આલ્ફાબેટે આ માહિતીની પુષ્ટિ કરી છે. આ પગલું ખર્ચમાં કાપ મૂકવા અને કૃત્રિમ બુદ્ધિ (AI) પર ભારે રોકાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે, 'વર્ષ 2025માં અમારી કેટલીક ટીમોએ સેવરન્સ (નોકરી છોડવા પર મળતી રકમ) સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ વર્ષે ઉનાળામાં, જૂન મહિનામાં, અમે ભવિષ્યના મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ માટે આ કાર્યક્રમને વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં વિસ્તાર્યો છે.'
હાલમાં આ ઓફર કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડમાં કાર્યરત કર્મચારીઓને આપવામાં આવી છે. ભારતીય કર્મચારીઓને હજુ સુધી આવી કોઈ ઓફર કરવામાં આવી નથી. જોકે, ભવિષ્યમાં આ કાર્યક્રમ ભારત સુધી વિસ્તરી શકે છે અને ભારતીય કર્મચારીઓ પર પણ તેની અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે માઇક્રોસોફ્ટે પણ લગભગ 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પેકેજ આપ્યું હતું, જેમાં ભારતીય કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો. માઇક્રોસોફ્ટે પણ AI ક્ષેત્રે રોકાણ વધારવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો હતો.
ગૂગલ અને અન્ય મોટી ટેક કંપનીઓ AI પર ભારે ખર્ચ કરી રહી છે, જેને કારણે વોલ સ્ટ્રીટમાં ચિંતા વ્યક્ત થઈ છે અને આલ્ફાબેટના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.