ગૂગલે પોતાના AI ઇકોસિસ્ટમને વધુ સરળ બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. કંપનીએ Gmail Live, Docs Live અને Keep Live ફીચર્સનું રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ ફીચર્સની જાહેરાત ગૂગલ I/O 2026 દરમિયાન કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેનું પરીક્ષણ ચાલી રહ્યું હતું. હવે આ ફીચર્સ સામાન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
આ ત્રણેય ફીચર્સની ખાસિયત એ છે કે વપરાશકર્તાએ દરેક કામ માટે સ્ક્રીન પર ટાઇપ કરવાની જરૂર નહીં પડે. Geminiની મદદથી Gmail, Google Docs અને Google Keep સાથે અવાજ દ્વારા વાતચીત કરી શકાશે.
Docs Live: AI કો-રાઇટર
Google Docs Liveને કંપની એક પ્રકારના હેન્ડ્સ-ફ્રી AI પાર્ટનર તરીકે રજૂ કરી રહી છે. તેનો ઉપયોગ શરૂઆતનો ડ્રાફ્ટ તૈયાર કરવા, સારાંશ બનાવવા, પ્રપોઝલ લખવા અને અન્ય ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે કરી શકાશે. Gemini માત્ર Docsમાં રહેલી માહિતી સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ જરૂર પડ્યે Gmail, Drive, Chat અને વેબ પરથી મળતી માહિતીનો પણ ઉપયોગ કરી શકે છે. ડોક્યુમેન્ટ તૈયાર કરતા પહેલાં Gemini ઉપલબ્ધ માહિતીનો ટૂંકો રિકેપ પણ બતાવશે. વપરાશકર્તા બોલીને જણાવી શકશે કે કઈ પ્રકારની માહિતી ઉમેરવાની છે અને ડોક્યુમેન્ટનું ફોર્મેટ કેવું રાખવાનું છે. Google Docs એપમાં ફ્લોટિંગ એક્શન બટન દબાવ્યા બાદ 'Create with voice' ઓપ્શન દેખાશે.
Gmail Live: ઇનબોક્સ સાથે વાતચીત
Gmail Liveનો હેતુ ઇમેલ શોધવા અને સમજવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હવે જૂના ઇમેલ અથવા લાંબી ઇમેલ થ્રેડમાં માહિતી શોધવા માટે એક પછી એક મેસેજ વાંચવાની જરૂર નહીં પડે. વપરાશકર્તા Gmail Liveને સીધો સવાલ પૂછી શકશે અને Gemini ઇનબોક્સમાં રહેલી માહિતીના આધારે જવાબ આપશે. વાતચીત દરમિયાન વારંવાર સંપૂર્ણ વિગતો જણાવવાની પણ જરૂર નહીં પડે. જો વાતચીત દરમિયાન વિષય બદલવો હોય તો તેને તરત રોકી પણ શકાય છે. ફુલ-સ્ક્રીન ઇન્ટરફેસમાં વાતચીતનું ટ્રાન્સક્રિપ્ટ જોવા મળશે અને જવાબની સાથે સંબંધિત ઇમેલની લિંક્સ પણ મળશે. તેનો ઉપયોગ કરવા માટે Gmail એપના સર્ચ બારમાં દેખાતા નવા Live આઇકોન પર ટેપ કરવાનું રહેશે. હાલમાં આ સુવિધા Android અને iOS પર અંગ્રેજી ભાષામાં વિશ્વભરના Google AI Plus, Pro અને Ultra વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
Keep Live: બોલતાં જ નોટ્સ અને લિસ્ટ
Google Keep Live એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેમને અચાનક કોઈ આઇડિયા, કામ અથવા જરૂરી વસ્તુ યાદ આવે છે. તેમાં વપરાશકર્તા કોઈ ચોક્કસ ફોર્મેટ વગર પોતાની વાત બોલી શકે છે અને Gemini તે ઓડિયોને સમજીને વ્યવસ્થિત લિસ્ટ તૈયાર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે કહો કે તમને પેસ્ટો પાસ્તા બનાવવા માટે જરૂરી સામાન ખરીદવાનો છે, તો Keep Live તમારી વાત સમજીને સંબંધિત શોપિંગ લિસ્ટ તૈયાર કરી શકે છે. એક જ સેશનમાં અનેક નોટ્સ બનાવી શકાય છે. એટલું જ નહીં, વપરાશકર્તા બાદમાં અવાજ દ્વારા નોટમાં ફેરફાર પણ કરી શકશે.
કયા વપરાશકર્તાઓને મળશે?
Keep Live હાલમાં Android ડિવાઇસ પર ઉપલબ્ધ છે અને તેના માટે Google AI Plusનું અપડેટેડ વર્ઝન, Pro અથવા Ultra સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. બીજી તરફ, Gmail Live અને Docs Liveની ઉપલબ્ધતા AI પ્લાનના આધારે નક્કી કરવામાં આવી રહી છે. Googleએ એ પણ જણાવ્યું છે કે આ ફીચર્સ ટૂંક સમયમાં Google Workspaceના બિઝનેસ વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.