સત્ય. સાહસ. સંકલ્પ.

EUના પ્રાઈવસી નિયમોના ભંગ બદલ ગૂગલ પર રૂ. 4,432 કરોડનો દંડ

EUના પ્રાઈવસી નિયમોના ભંગ બદલ ગૂગલ પર રૂ. 4,432 કરોડનો દંડ

યુરોપિયન યુનિયન (EU)ના કડક પ્રાઈવસી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટેક કંપની ગૂગલ પર 403 મિલિયન યુરો (લગભગ રૂ. 4,432 કરોડ અથવા 463 મિલિયન ડોલર)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને સોમવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.

છ વર્ષ ચાલેલી તપાસમાં જાણવા મળ્યું કે, ગૂગલે યૂઝર્સની બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી તથા લોકેશન હિસ્ટ્રીમાંથી મળતા ડેટાની પ્રક્રિયા કાયદેસર કે પારદર્શક રીતે કરી ન હતી. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના 'લોકેશન એક્યુરસી' ફીચરમાં પણ પર્સનલ ડેટા પ્રોસેસ કરતી વખતે કંપનીએ પૂરતી પારદર્શકતા દાખવી ન હતી.

આયર્લેન્ડમાં ગૂગલનું યુરોપિયન હેડક્વાર્ટર હોવાથી, આ કેસમાં આયર્લેન્ડના નિયમનકારે મુખ્ય તપાસ કરી હતી. તપાસમાં વર્ષ 2018 થી ફેબ્રુઆરી 2020 સુધીના સમયગાળા દરમિયાન EUના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)ના પાલનની સમીક્ષા કરવામાં આવી હતી.

ગૂગલે આ મામલે નિવેદન આપતાં કહ્યું કે, 'આ કેસ ભૂતકાળની નીતિઓ સાથે સંબંધિત છે, જેમાં હવે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. વર્ષ 2019થી અમે અમારી પદ્ધતિઓમાં નોંધપાત્ર બદલાવ કર્યો છે અને લોકેશન ડેટા મેનેજમેન્ટને સરળ બનાવતા મજબૂત ટૂલ્સ રજૂ કર્યા છે.'

નિયમનકારોના જણાવ્યા મુજબ, લોકેશન ડેટા અત્યંત સંવેદનશીલ પર્સનલ ડેટા છે, જે યૂઝર્સને ઓનલાઈન સેવાઓમાં ફાયદો કરાવવા સાથે તેમની અંગત માહિતી પણ ઉજાગર કરી શકે છે.

આ દંડ EU પ્રાઈવસી નિયમો હેઠળ ફટકારવામાં આવેલો ચોથો સૌથી મોટો દંડ છે. અગાઉ મેટા અને ટિકટોક જેવી કંપનીઓ પર આનાથી પણ મોટા દંડ લાદવામાં આવ્યા છે, જેમાં મેટા સામેના 1.2 અબજ યુરોના દંડનો પણ સમાવેશ થાય છે. હાલમાં નિયમનકાર દ્વારા ગૂગલ સામે અન્ય ત્રણ અલગ-અલગ પ્રાઈવસી તપાસ પણ ચાલી રહી છે.