સત્ય. સાહસ. સંકલ્પ.

Google DeepMindમાં ડિગ્રી વગર ઇજનેરની નોકરી, વાર્ષિક પૅકેજ ₹10.9 કરોડ સુધી

Google DeepMindમાં ડિગ્રી વગર ઇજનેરની નોકરી, વાર્ષિક પૅકેજ ₹10.9 કરોડ સુધી

ગૂગલની AI સંશોધન કંપની ગૂગલ ડીપમાઇન્ડ (Google DeepMind) એ તેની નવી ટીમ પોલારિસ (Polaris) માટે ઇજનેરોની ભરતી શરૂ કરી છે. આ પદ માટે કોઈ ચોક્કસ ડિગ્રી કે કાર્ય અનુભવની શરત રાખવામાં આવી નથી. આ નોકરીનું વાર્ષિક પૅકેજ 5,50,000 ડૉલર (લગભગ ₹5.4 કરોડ) થી 1.1 મિલિયન ડૉલર (લગભગ ₹10.9 કરોડ) સુધીનું જણાવવામાં આવ્યું છે.

ગૂગલ ડીપમાઇન્ડની પોલારિસ ટીમ AI કોડિંગ એજન્ટ્સ માટે નવી ટેસ્ટિંગ અને ઇવ્લ્યુએશન સિસ્ટમ તૈયાર કરવા પર કામ કરશે. આ ભૂમિકામાં ઇજનેરોએ એવી પદ્ધતિઓ વિકસાવવાની રહેશે, જેનાથી ચકાસી શકાય કે AI ટૂલ્સ કેટલી સારી રીતે કોડ લખે છે અને મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આ સાથે નવી ટેકનિકલ સિસ્ટમ્સ બનાવવાની, તેના પ્રોટોટાઇપ તૈયાર કરવાની અને રિસર્ચ પેપર પ્રકાશિત કરવાની તક પણ મળી શકે છે.

ગૂગલના એન્જિનિયર તમાય બેસિરોલુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ભરતીની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, કંપની ઉત્તમ ઇજનેરોની શોધ કરી રહી છે અને આ પદ માટે ડિગ્રી જરૂરી નથી. તેમના મતે, ઉમેદવારની સમજદારી અને મુશ્કેલ સમસ્યાઓને હલ કરવાની ક્ષમતા વધુ મહત્વપૂર્ણ છે.

કંપનીએ આ પદ માટે ન તો કોઈ ચોક્કસ ડિગ્રીની આવશ્યકતા નક્કી કરી છે અને ન તો કાર્ય અનુભવની મર્યાદા નક્કી કરી છે. પરંતુ આનો અર્થ એ નથી કે, નોકરી મેળવવી સરળ હશે. ઉમેદવારોએ પોતાની ટેકનિકલ જાણકારી, પ્રોગ્રામિંગ સ્કિલ્સ અને મુશ્કેલ સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા સાબિત કરવી પડશે.

આ ભરતીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે, કંપનીઓએ ડિગ્રીના બદલે ઉમેદવારની વાસ્તવિક ક્ષમતા અને કામ કરવાની રીત પર ધ્યાન આપવું જોઈએ. આ ભરતીએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે, શું ભવિષ્યમાં ટેકનિકલ ક્ષેત્રમાં ડિગ્રી કરતાં સ્કિલ્સને વધુ મહત્વ મળશે?