આજના ડિજિટલ યુગમાં આપણે માહિતી શોધવા માટે ગૂગલ પર આધાર રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખે છે? ગૂગલની પ્રાઈવેસી પોલિસી અનુસાર, તે તમારી સર્ચ હિસ્ટ્રી, જોવામાં આવેલા વીડિયો, એડ્સ પરની ક્લિક્સ, તમારો અવાજ, લોકેશન અને બ્રાઉઝિંગ ડેટા સેવ કરે છે. આ ડેટા તમારા અનુભવને સુધારવા માટે વપરાય છે, પરંતુ તે તમારી પ્રાઈવેસી માટે ચિંતાનો વિષય બની શકે છે.
ગૂગલ ફક્ત તમારી ટાઇપ કરેલી સર્ચ જ નહીં, પરંતુ જો તમે વેબ અને એપ્લિકેશન એક્ટિવિટી અને વૉઇસ એન્ડ ઓડિયો એક્ટિવિટી ચાલુ રાખી હોય તો ગૂગલ આસિસ્ટન્ટ સાથેની ઓડિયો રેકોર્ડિંગ્સ પણ સેવ થઈ શકે છે. આમાં એવી વાતચીતો પણ સામેલ હોઈ શકે છે જ્યારે ફોન પડેલો હોય અને આસિસ્ટન્ટ આકસ્મિક રીતે સક્રિય થઈ જાય. વધુમાં, ગૂગલ લોકેશન ડેટા માટે GPS, IP એડ્રેસ, Wi-Fi નેટવર્ક અને અન્ય ફોન સિગ્નલનો ઉપયોગ કરે છે. જો લોકેશન હિસ્ટ્રી (ટાઇમલાઇન) ચાલુ હોય તો તમારા રૂટનો નકશો અને રેકોર્ડ એકાઉન્ટમાં સેવ થાય છે.
તમારો ડેટા ડિલીટ કરવા માટે, તમારા ફોન અથવા કમ્પ્યુટર પર Google એકાઉન્ટ ખોલો અને 'ડેટા અને પ્રાઈવેસી' સેક્શનમાં જાઓ. ત્યાં 'હિસ્ટ્રી સેટિંગ્સ'માં 'વેબ અને એપ્લિકેશન એક્ટિવિટી' પર ક્લિક કરો. આનાથી 'માય એક્ટિવિટી' પેજ ખૂલશે. અહીં તમે તારીખ અને સમય પ્રમાણે તમારી બધી ભૂતકાળની હિસ્ટ્રી જોઈ શકો છો. 'ડિલીટ' વિકલ્પ પર ટેપ કરીને તમે ચોક્કસ દિવસની હિસ્ટ્રી અથવા સમગ્ર હિસ્ટ્રી એકસાથે સાફ કરી શકો છો. તમે આ પેજ પરથી વેબ અને એપ્લિકેશન એક્ટિવિટી કાયમ માટે બંધ પણ કરી શકો છો.
ગૂગલ ઓટો-ડિલીટ સુવિધા પણ આપે છે, જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારો ડેટા દર 3 મહિને, 18 મહિને અથવા 36 મહિને આપમેળે ડિલીટ થાય. આ સેટિંગ 'માય એક્ટિવિટી' સેટિંગ્સમાં ઉપલબ્ધ છે. જો કે, ધ્યાનમાં રાખો કે હિસ્ટ્રી ડિલીટ કરવાથી ફક્ત સર્ચ હિસ્ટ્રી અને સંબંધિત ડેટા જ દૂર થાય છે, બાકીનો ડેટા ગૂગલ પાસે રહે છે. તેથી, પ્રાઈવેસી માટે Chrome બ્રાઉઝરની સ્થાનિક હિસ્ટ્રી, YouTubeની વોચ અને સર્ચ હિસ્ટ્રી અને લોકેશન ટાઇમલાઇનની સેટિંગ્સ અલગથી તપાસીને ડિલીટ કરો.
જો ગૂગલ સર્ચમાં તમારો મોબાઇલ નંબર, ઘરનું સરનામું, ઇમેઇલ અથવા બેન્ક વિગતો જેવી વ્યક્તિગત માહિતી દેખાતી હોય, તો તમે ગૂગલના 'ડેટા રિમૂવલ રિક્વેસ્ટ ફોર્મ' અથવા 'રિઝલ્ટ્સ અબાઉટ યુ' ટૂલનો ઉપયોગ કરીને તેને દૂર કરવા વિનંતી કરી શકો છો. આ માટે ગૂગલ હેલ્પ સેન્ટરના રિમૂવલ પેજ પર જઈને વેબસાઇટની લિંક અને સ્ક્રીનશોટ સબમિટ કરવો પડશે. વિનંતીની ચકાસણી પછી, જો તે માન્ય હશે તો ગૂગલ સર્ચ પરિણામોમાંથી તે લિંકને દૂર કરશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ફોર્મ ફક્ત ગૂગલ સર્ચમાંથી લિંક્સ દૂર કરે છે, વેબસાઇટ પરથી ડેટા દૂર કરવા માટે તમારે તે વેબસાઇટના એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરવો પડશે.