સત્ય. સાહસ. સંકલ્પ.

ઓસ્કાર માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ 'ગોંધળ'ની સત્તાવાર પસંદગી, 33 ફિલ્મોને પછાડી

ઓસ્કાર માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ 'ગોંધળ'ની સત્તાવાર પસંદગી, 33 ફિલ્મોને પછાડી

મુંબઈમાં 99માં એકેડમી એવોર્ડ્સ માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને સત્તાવાર પસંદગી મળી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા (FFI)ની જ્યુરીએ દેશભરની 33 ફિલ્મો વચ્ચે ડિરેક્ટર સંતોષ દવખરની આ ફિલ્મને સર્વાનુમતે પસંદ કરી છે.

આ વર્ષે ઓસ્કારની રેસમાં દેશભરમાંથી 33 ફિલ્મો સામેલ હતી, જેમાં 'બોર્ડર 2', 'ધુરંધર', 'ઇક્કીસ' અને 'અંગ' જેવી ફિલ્મોનો પણ સમાવેશ થતો હતો. ફિલ્મમેકર શેષાદ્રીની આગેવાની હેઠળની 14 સભ્યોની પસંદગી સમિતિએ ભારતીય સંસ્કૃતિ, સંગીત અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીને ધ્યાનમાં રાખીને 'ગોંધળ'ને પસંદ કરી છે.

ફિલ્મની વાર્તા મહારાષ્ટ્રની પરંપરાગત લોક વિધિ 'ગોંધળ' પર આધારિત છે. આખી રાત ચાલતી આ વિધિમાં સંગીત, નૃત્ય અને પૌરાણિક વાર્તાઓ જોડાયેલી હોય છે. એક લગ્નના ઉત્સવથી શરૂ થતી આ વાર્તા ધીમે-ધીમે ઈર્ષ્યા, વાસના, વિશ્વાસઘાત અને ગામડાના દબાયેલા આંતરિક સંઘર્ષના ગંભીર વળાંકો લે છે. ફિલ્મનું પ્રીમિયર ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેણે સ્પેશિયલ જ્યુરી રિકગ્નિશન માટે સિલ્વર પીકોક એવોર્ડ મેળવ્યો હતો.

'ગોંધળ' ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનનારી ચોથી મરાઠી ફિલ્મ છે. આ પહેલાં 2005માં 'શ્વાસ', 2009માં 'હરિશ્ચંદ્રાચી ફેક્ટરી' અને 2015માં 'કોર્ટ' ફિલ્મને મોકલવામાં આવી હતી.

ભારત તરફથી એન્ટ્રી મળ્યા પછી હવે એકેડમી ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરશે. તેમાં પહેલાં વિશ્વભરમાંથી 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર થશે, જેમાંથી અંતિમ 5 નોમિનેશન નક્કી થશે. 99માં એકેડમી એવોર્ડ્સ સમારોહ 14 માર્ચ 2027ના રોજ યોજાશે.