રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં છે. ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના 13 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, અનિડા ભાલોડી ગામના જયેશ કરશનભાઈ બગડા (40) તેમની પત્ની શાંતુબેન (36) અને પુત્ર વ્રજ (13) સાથે એક્ટિવા પર રામોદ તરફ જઈ રહ્યા હતા. તેઓ GJ 03 LS 5971 નંબરની એક્ટિવા પર સવાર હતા. દરમિયાન ઘોઘાવદર અને રામોદ વચ્ચે તેમની એક્ટિવા સામેથી આવી રહેલી ટાટા નેક્સોન કાર GJ 23 CF 0472 સાથે અથડાઈ હતી.
અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મૃતક જયેશ બગડા સેન્ટિંગનું કામ અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પત્ની શાંતુબેન અને 13 વર્ષીય પુત્ર વ્રજના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વ્રજ ગોંડલની ઓરો સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો.
અકસ્માતમાં સામેલ ટાટા નેક્સોન કાર એક મહિલા ચલાવી રહી હોવાની માહિતી સામે આવી છે. કારમાં સવાર લોકો સાળંગપુર ખાતે દર્શન કર્યા બાદ ગોંડલના અક્ષર મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવદર-રામોદ માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં ગોંડલથી બે અને કોટડા સાંગાણીથી એક એમ્બ્યુલન્સ સહિત કુલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના વતન અનિડા ભાલોડી ગામે લઈ જવામાં આવશે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બનાવને પગલે માર્ગ પર પણ અવરજવર પ્રભાવિત થઈ હતી. ગોંડલ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા વાહનોની વિગતો મેળવી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતથી અનિડા ભાલોડી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.